મેરાન્યૂઝ નેટવર્ક.ગીર-સોમનાથઃ ગીરમાં કેટલાક યુવાનો દ્વારા દીપડાનું બચ્ચું હાથમાં આવી જતાં જાણે તે રમકડું હોય તેમ તેની સાથે મસ્તી કરવા લાગ્યા હતા. આ બધી મસ્તીમાં તેમને દીપડાના બચ્ચાની પીડાનો અનુભવ જ થતો ન હતો. એકલું અને ગભરાયેલું દીપડાનું બચ્ચું આ લોકો માટે મસ્તીનું સાધન બની ગયું હતું. તેનો વીડિયો હાલ વાયરલ થયો છે. સાથે જ ગીરના ડીસીએફ દ્વારા ટ્વીટ કરીને આ વીડિયો તથા આ શખ્સોની તસવીરો શેર કરવામાં આવી છે અને આ યુવકોને ઓળખીને શોધી આપવા માટે લોકોની મદદ માગી છે.

જોકે યુવકો માટે આ રમત હતી પણ હિંસક પ્રાણીના બચ્ચાને આ રીતે પજવવું તે તેમના માટે મોતને પોકારનારી રમત હતી. યુવકોને બીક તો હતી જ કે તેની માતા આવી જશે તો શું થશે. તે આપણને નહીં છોડે તેવું તે લોકો બોલે પણ છે. છતાં બચ્ચાની પજવણી ચાલુ રાખે છે.

ગીરમાં અગાઉ પણ હિંસક પ્રાણીઓ જેમકે સિંહો સાથે પણ પજવણી કરવાના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેને કારણે પ્રકૃતિ પ્રેમીઓ રોષે પણ ભરાયા હતા. આ વીડિયોમાં પણ બચ્ચાને ગળાના ભાગેથી દબાવીને તેનો વીડિયો અને ફોટો બનાવવામાં આ યુવકો વિકૃત આનંદ લઈ રહ્યા હતા. આ વાયરલ વીડિયો અંગે તંત્રનું કહેવું છે કે વીડિયોમા સંભળાતી બોલી ગીર વિસ્તારની નથી લાગતી. કોઇ અન્ય વિસ્તારની પણ હોઈ શકે છે અને દીપડા બધે જ છે. છતા કોઇને આ શખ્સો અંગે જાણકારી હોય તો વનતંત્રનો સંપર્ક કરી તંત્રની મદદ કરો.