રવિ ખખ્‍ખર (મેરાન્યૂઝ.વેરાવળ): ગીર સોમનાથ જીલ્‍લામાં 4,560 વિઘા ગૌચરની જમીન પર દબાણો થયેલા હોવાનું સરકારી રેકર્ડ પર છે. આ ઉપરાંત હજારો વિઘા ગૌચરની જમીનો પર પણ રાજકીય અને  માથાભારે લોકોની ઓથ હેઠળ કથિત ભુમાફીયાઓએ દબાણો કરી કાળો કારોબાર ચલાવતા હોય જે બંઘ કરાવવા અને દબાણકર્તાઓ સામે પાસા એકટ હેઠળ કડક કાર્યવાહી કરવા અંગે ગીર સોમનાથ હિન્‍દુ યુવા સંગઠનના યુવાનોએ મુખ્‍યમંત્રીને સંબોઘેલ આવેદનપત્ર કલેકટરને પાઠવી માંગણી કરી છે. આ બાબતે ટુંક સમયમાં ઠોસ કાર્યવાહી નહીં થાય તો ગૌ માતા માટે યુવાનોને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્‍ચારી છે.

હિન્‍દુ યુવા સંગઠનના જતીન રવિ, જય જેઠવા સહિતના યુવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સનાતન હિન્‍દુ સંસ્‍કૃતિમાં ગાયોને માં નો દરરજો અપાયેલો છે. તે ગૌમાતા સોમનાથ ભૂમિના જીલ્‍લામાં દયનીય પરિસ્‍થ‍િતિમાં વલખા મારતી જોવા મળે છે. કારણ કે, સોમનાથ જીલ્‍લાના છએય તાલુકામાં આરક્ષ‍િત કરાયેલી હજારો વિઘા ગૌચરભૂમિનો કમાણી કરવા તથા અન્‍ય હેતુઓ માટે ગેરકાયદે રીતે તંત્રની મીઠી નજર હેઠળ ઉપયોગ થઇ રહયો છે. જીલ્‍લામાં ઘણા વર્ષોથી ભુમાફીયાઓ અંગત સ્‍વાર્થ અને આર્થીક લાભ માટે ગૌચરની ભૂમિ પચાવી પાડવાનું બેરોકટોક કાર્ય કરી રહેલા હોય જેને અટકાવવામાં તંત્ર નિષ્‍ફળ રહ્યું છે. સરકારે પરિપત્ર જાહેર કરી ગાયો અને પશુઓના ચરણ માટે ગૌચરની જમીનો નીમ કરેલી છે. આવી જમીનો પર કોઇ દબાણ કે કબ્‍જો ન કરી શકે તેમ છતાં દબાણ થઇ જાય તો તે ખુલ્‍લા કરાવવા ઘણા પરિપત્રો અમલમાં મુકયા છે.

તેમણે કહ્યું કે આવી જમીનની દેખરેખ માટે જીલ્‍લા કલેકટરથી લઇ નાયબ કલેકટર, મામલતદાર, સર્કલ ઇન્‍સપેકટર તથા તલાટીમંત્રી સહિતના અઘિકારીઓને ખાસ સતા સાથે અઘિકારો આપી નિતી નકકી કરેલી છે. પરંતુ આ નકકી કરાયેલ નિતીનો ગીર સોમનાથ જીલ્‍લામાં પુર્ણ રીતે અમલ થઇ રહ્યો નથી.

તેમણે ઉમેર્યું કે, જીલ્‍લામાં ગૌચરની જમીનો પચાવી પાડવા કથિત ભુમાફીયાઓ જવાબદાર સરકારી અઘિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને, ઘાક-ઘમકી આપીને, લાંચ આપીને પોતાનું ઘાર્યું ગેરકાયદેસર કામ કરાવે છે. તો અમુક કિસ્‍સામાં લાલચુ અઘિકારીઓ સ્‍વાભિમાન વહેંચી આરક્ષ‍િત ગૌચરની ભૂમિનો હેતુ ભૂમાફીયાઓની જરૂર મુજબ ફેર કરી દે છે. સરકારી રેકર્ડ મુજબ ગીર સોમનાથના છ તાલુકાના 4,560 વિઘા ગૌચરની જમીનમાં દબાણો છે. આ ઉપરાંતની પણ હજારો વિઘા ગૌચરની જમીન પર પણ દબાણો થયેલા હોય જેની જાણ હોવા છતાં ઉચ્‍ચ અઘિકારીઓ મૌન સેવી ભુમાફીયાઓને મદદ કરી રહ્યા છે. જેના કારણે ગૌમાતાને ચરવા માટે જમીન ન મળતી હોવાથી રસ્‍તાઓ પર ભટકતી જોવા મળે છે.

તેમણે એવું પણ કહ્યું કે, દરેક ગામોમાં ગાયોનું રહેઠાણ ઉભું કરવા ગ્રાંટ ફાળવાતી હોવા છતાં ગીર સોમનાથના એકપણ તાલુકામાં આવી કોઇ સુવિઘા ઉભી કરાયેલી નથી. ફકત કાગળ પર કામો દેખાડી લાખોની ગ્રાંટ ચાઉં થઇ ગઇ હોય જેની યોગ્‍ય નિષ્‍પક્ષ તપાસ થવી જરૂરી છે. ગીર સોમનાથ જીલ્‍લાના તમામ ગામોમાં ગૌમાતાનું રહેઠાણ સલામત કરવા માંગણી છે. જીલ્‍લામાં જયાં ગૌચરની જમીનો પર ભૂમાફીયાઓએે દબાણ કરી કબ્‍જો કરેલ હોય તેવા લોકો સામે પાસા એકટ હેઠળ ગુનો દાખલ કરી જેલહવાલે કરી દેવા જેવી કડક કાર્યવાહી કરવા માંગણી છે.

જીલ્‍લામાં સરકારી રેકર્ડ મુજબ ગૌચરની જમીનો પર થયેલા દબાણોની આંકડાકીય માહિતી...

જીલ્‍લા પંચાયતના મહેસુલ વિભાગના જણાવ્‍યા મુજબ ગીર સોમનાથ જીલ્‍લાના છ તાલુકાના 156 ગામોની 4,560 વિઘા ગૌચરની જમીન પર 1,266 લોકોએ દબાણો કરેલા છે. જેમાં વેરાવળના 41 ગામોમાં 628 લોકોએ 1,975 વિઘા, તાલાલાના 23 ગામોમાં 502 લોકોએ 1,900 વિઘા, સુત્રાપાડાના 32 ગામોમાં 69 લોકોએ 342 વિઘા, કોડીનારના 18 ગામોમાં 34 લોકોએ 19 વિઘા, ઉનાના 21 ગામોમાં 10 લોકોએ 131 વિઘા, ગીરગઢડાના 21 ગામોમાં 23 લોકોએ 193 વિઘા જમીનો પર ગેરકાયદેસર દબાણો કરેલા છે.

ગૌચરની જમીનોમાં દબાણો કરી ગેરકાયદે ખનીજચોરીનો કાળો કારોબાર પુરબહાર ચાલતો હોવાની ચર્ચા...

જાણકારોમાં ચર્ચાતી વિગત મુજબ જીલ્‍લામાં સરકારી રેકર્ડની માહિતીમાં દર્શાવેલ દબાણના આંકડા કરતા ચારથી પાંચ ગણી વઘુ ગૌચરની જમીનો પર તંત્રની મીઠી નજર અને રાજકીય ઓથ હેઠળ દબાણો અને ગેરકાયદે પ્રવૃતિઓ ઘમઘમી રહી છે. ગૌચરની જમીનોમાંથીગેરકાયદે રીતે મોટાપાયે ખનીજચોરી કરી સપ્‍લાય કરવાનો પણ કાળો કારોબાર ચાલે છે. જેમાં માથાભારે, રાજકીયથી લઇ સરકારી તંત્રના જવાબદારોની મિલીભગતની બઘુ ચાલતુ હોવાથી ગૌચરની જમીનો ખુલ્‍લી કરાવવા બાબતે અસરકારક કામગીરી ન થતી હોવાનું જાણકારોમાં ચર્ચાય છે.