મેરાન્યૂઝ નેટવર્ક.ગીર-સોમનાથ: ગુજરાતમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે શિયાળામાં જ વરસાદી માહોલ જામતા ખેડૂતો સહિત લગભગ તમામ નાગરિકો માટે આ મુંજવણ ભર્યો સમય બની ગયો છે. બીજીબાજુ ગીર સોમનાથના નવા બંદરની 13થી 15 બોટ દરિયામાં ડૂબી હોવાની માહિતી સામે આવી છે. તો આ સાથે ઘણા માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે.

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. જે સાથે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી હતી. સૂચના હોવા છતાં માછીમારો દરિયામાં ગયા હોવાનું સામે આવી રહ્યું છે. મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે નવબંદર દરિયા કિનારે ભારે નુકસાન થયું છે.

સમગ્ર મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી છે. મુખ્યમંત્રીની સૂચનાના પગલે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ઘરવામાં આવી છે. ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. તો માહિતી પ્રમાણે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમાર ને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.

Advertisement


 

 

 

 

 

ગીર સોમનાથના કલેકટરે જણાવ્યું હતું કે, દરિયે લાંગરેલી હોડીઓ એકબીજા સાથે અથડાતા નુકસાન થયું છે. તંત્ર દ્વારા હાલ તમામ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. હાલમાં 4 માછીમારોને બચાવી લેવાયા છે અને 6થી 8 જેટલા માછીમાર હજુ લાપતા હોવાનું સામે આવ્યું છે.