મેરાન્યૂઝ નેટવર્ક.ગીર સોમનાથઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણા વિસ્તારો હવે સિંહ, દીપડા, વરુ, મગર, સાપ, અજગર વગેરે જેવા હિંસક પ્રાણીઓનું પણ ઘર બની ગયા છે. માનવ વસ્તી સાથે રહેતા આ પ્રાણીઓ પૈકી ઘણા માણસ પર હુમલા પણ કરે છે અથવા તેના પાળતુ પ્રાણીઓ પર હુમલા કરતા હોવના પણ બનાવો સામે આવી ચુક્યા છે. ઘણી વખત તો આવા હિંસક પ્રાણીઓ ગામમાં પણ લટાર મારતા હોય તેવા દ્રષ્યો પણ જોવા મળ્યા છે. ગીર ગઢડાના થોરડી ગીર ગામમાં માલધારી યુવકને નદી કાંઠે ઢોર ચરાવતા જીવ ગુમાવવો પડ્યો હતો.

થોરડી ગીર ગામમાં નદી કિનારે ઢોર ચરાવતા માલધારી યુવક પર અચાનક મગરે હુમલો કર્યો હતો અને તેને પાણીમાં ખેંચી ગયો હતો. આ ઘટનાની ખબર પડતાં સ્થાનિક લોકો, સ્થાનિક તરવૈયાઓ તથા વન વિભાગે કલાકો સુધી યુવકની શોધ કરી હતી પરંતુ આખરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

અહીં ગામમાં રહેતા ગોરબાભાઈ ગોહિલ બુધવારે સાંગાવાડી નદી કિનારે પોતાના પશુ ચરાવતા હતા. આ દરમિયાન નદીના કિનારા પર તેઓ ઊભા હતા. તેમને પણ જરા અમથો પણ ખ્યાલ ન આવ્યો કે પોતે શિકાર બનવા જઈ રહ્યા છે. અચાનક વીજળી વેગે મગરે તેમના પર હુમલો કર્યો અને જડબામાં પકડી લીધા. તેમણે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મગરની તાકાત આગળ તેમનું એક ન ચાલ્યું. મગર તેમને પાણીમાં ઉંડે લઈ ગયો.

ઘટનાની ખબર પડતાં લોકો નદી પાસે દોડી આવ્યા પરંતુ ગોરબાભાઈ ક્યાંય જોવા મળ્યા નહીં. તેમણે વન વિભાગને જાણ કરી તો તેઓ પણ અહીં દોડી આવ્યા હતા પરંતુ તેઓ અને સ્થાનીક તરવૈયાઓ બંને તેમને જોઈ શક્યા નહીં. તેમણે લાંબો સમય ગોરબાભાઈને શોધવાની મહેનત કરવી પડી. કલાકો વિત્યા ત્યારે ગોરબાભાઈની લાશ મળી આવી હતી. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.