કમલેશ જુમાણી (મેરા ન્યૂઝ નેટવર્ક, ઉના): ગીરગઢડામાં સિંહોના ટોળાએ 108 એમ્બ્યુલન્સને અડધો કલાક સુધી અટકાવી હતી. ઈમરજન્સી સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સગર્ભાને પ્રસૂતિ કરાવતા બાળકીનો જન્મ થયો હતો. આમ છેવાડાના ગીરગઢડામાં 108નો સ્ટાફ સંજીવની બન્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. (વીડિયો અહેવાલના અંતમાં દર્શાવ્યો છે)

ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના ભાખા ગામે બુધવારે રાત્રે 10:20 વાગ્યે સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને જાણ કરાઇ હતી. એમ્બ્યુલન્સ 30 વર્ષીય મહિલા અફસાનાબેનને લઇ તાત્કાલિક ગીરગઢડા સરકારી દવાખાને જઇ રહી હતી. ત્યારે અચાનક રસુલપરા ગામના પાટિયા પાસે એમ્બ્યુલન્સ પહોંચી, તો ત્યાં રસ્તામાં એક સાથે 4 સિંહોનું ટોળું બેઠું હતું. સિંહોના ટોળાને કારણે 108 એમ્બ્યુલન્સને ત્યાં જ રોકવી પડી હતી.

આ સમયે સગર્ભાને પ્રસૂતિની પીડા વધી ગઈ હતી. તે વખતે પળભરના વિલંબ વિના 108માં રહેલા ઈમરજન્સી સ્ટાફ ઇ.એમ.ટી. જગદીશભાઇ મકવાણા અને પાઇલોટ ભરતભાઇ આહીર દ્વારા જીલ્લા અધિકારી જયેશભાઇ કારેણા તથા યુવરાજસિહ ઝાલાને જાણ કરાઇ હતી. અમદાવાદ સ્થિત હેડ ઓફિસમાં હાજર રહેલા તબીબનો સંપર્ક કરી તેમના માર્ગદર્શન હેઠળ સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ મહિલાને ડિલીવરી કરાવી ઉત્તમ સેવા બજાવી હતી.

આવી વિકટ વેળા વચ્ચે મહિલાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને બાળકીને એમ્બ્યુલન્સમાં જ જરૂરી સારવાર પણ અપાઇ હતી. ત્યાં સુધી ચારેય સિંહોનું ટોળું રોડ પર અડિંગો જમાવીને બેઠું હતું. અડધો કલાક સુધી એમ્બ્યુલન્સને અટકાવીને સિંહોના ટોળાએ ફરતે અનેક આંટા માર્યા બાદ ચાલ્યા ગયા હતા. માર્ગ ખુલ્લો થતા મહિલા અને બાળકીને ગીરગઢડા હોસ્પિટલ ખાતે સલામત રીતે લઈ જવાયા હતા. 108 એમ્બ્યુલન્સના ઈમરજન્સી સ્ટાફે કટોકટીની વેળાએ નિ:સ્વાર્થભાવે સર્મપિત ફરજ નિભાવતા જાણકારોમાં સરાહના થઇ રહી છે.

તસવીર: સિંહના ટોળા વચ્ચે પ્રસૂતિ. (કમલેશ જુમાણી, ઉના)