મેરાન્યૂઝ નેટવર્ક.ગઢડાઃ હાલમાં જ કોરોનાની સ્થિતિને પગલે કેન્દ્ર સરકાર દ્વારા તથા ગુજરાત સરકાર દ્વારા લોકો ભૂખ્યા ન રહે તે માટે મોટી જાહેરાતો કરવામાં આવી હતી. ભાજપ સરકાર દ્વારા ગરીબોને ભોજન મળે તે માટે મોટા બજેટથી માંડી યોગ્ય વ્યવસ્થા સાથેની ઘણી તૈયારીઓ કરાઈ હતી. જોકે બીજી તરફ એવા પણ લોકો છે જે ગરીબોના હકનું ય ચાટી જવામાં ઓડકાર લેતા નથી. ગીર ગઢડાના બેડિયા અને ધોકડવાની બે રેશનિંગની દુકાનોના લાયસન્સ આ કૌભાંડને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપના આગેવાન એવા જિલ્લા યુવા ભાજપ પ્રમુખની દુકાનમાં રેશનિંગ કૌભાંડ ચાતલું હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડે જિલ્લામાં રાજકીય દંગલ ઊભું કરી મુક્યું છે.

ગીર ગઢડાના બેડિયા અને ધોકડવાની રેશનિંગની બે દુકાનના લાયસન્સ ત્રીસ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને લાયસન્સ ધારકો લોકડાઉનમાં ગરીબોને આપવામાં આવતા અનાજમાં ગોલમાલ કરતાં હોવાની ફરિયાદ મળતાં રેશનીંગની ગેરરીતિની ઉચ્ચ કક્ષાએ પુરાવાઓ સાથે ફરિયાદ થઈ હતી. જેને પગલે હવે ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી. ટીમ દુકાનો પર પણ આવી હતી. ટીમની તપાસમાં પ્રારંભિક રીતે ગેરરીતિ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

આ ઘટનામાં બેડિયા ગામના જિલ્લા પંચાયત પ્રમુખના પતિ ડાભાઈ જાલંધરા અને દોડકવા ગામે જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલ વોરાનું લાયસન્સ ત્રીસ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જોકે જિલ્લા અધિકારી દ્વારા ત્રીસ દિવસ માટે લાયસન્સ સ્સપેન્ડ કરવાના નિર્ણયને પગલે ઘણા લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. એક બાજુ ગરીબોનું અનાજ ચાટી જવાનું અને ખુદ સરકાર સાથે છેતરપીંડી કરવાની તેમાં પણ પાછું ફક્ત ત્રીસ દિવસના લાયસન્સ સસ્પેન્ડ જેવો નિર્ણય આપવાનો? આમ જ આવા લોકોને છોડી દે તો કાલે મોટું કરી નાખતા પણ તેમના હાથ નહીં કાપે, વગેરે જેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.