તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ) :સુત્રાપાડામાં આવેલી કંપનીમાં કામ કરતા કોન્ટ્રાકટર દ્વારા પોતાના કર્મચારીને રાતો-રાત છુટો કરી દેવામાં આવ્યો છે. આ ધટનામાં રોજમદારને છુટો કરવામાં આવ્યો તેની પાછળનું કારણ અને રીત ચર્ચાનો વિષય બન્યો છે. આ કર્મચારીએ લૉકડાઉનનો પગાર માંગ્યો અને નહીં મળતા ફેસબુકના માધ્યમથી સરકારને પોકાર કરી, બસ આ જ કારણે તે રોજમદારની નોકરી ભરખી ગયું.

  • હક્ક માટેની બોલતાં નોકરી છિનવાઈ ગઈ

ગરીબ, મજૂર કે કર્મચારીને કંપની અને કોન્ટ્રાક્ટર્સ પોતાની સાચી તાકાત હોવા છતા ગણકારતા હોતા નથી અને શક્ય એટલું શોષણ કરવા લાગે છે. આવું જ કંઈક સુત્રાપાડાની GHCL કંપનીમાં કોન્ટ્રાક્ટ ધરાવતા માધવ એન્ટરપ્રાઈઝ નામના કોન્ટ્રાકટરના કારનામા પરથી સામે આવ્યું છે. માધવ એન્ટરપ્રાઈઝ GHCL માં માણસો પુરા પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. આ કોન્ટ્રાક્ટર હેઠળ GHCLમાં કામ કરતા ભરતભાઈ ચાત્રોડીયા લૉકડાઉનના સમયમાં પગારની માંગણી કરે છે તો તેને પગાર આપવાનો નનૈયો ભણી દેવામાં આવે છે. ભરતભાઈ પોતાનો હક્ક મેળવવા દિકરા સાગરના ફેસબુક પર પોસ્ટ કરી સરકારને જણાવે છે કે “સરકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી તે પ્રમાણે GHCL સુત્રાપાડાની ફેક્ટરીમાં કામદારોને પગાર આપવામાં આવતો નથી તો સરકારને વિનંતી કરૂ છું કે પગાર નખાવી આપે.” બસ આ એક ફેસબુક પોસ્ટની માહિતી માધવ એન્ટરપ્રાઈઝને મળતા ગીન્નાયેલા કોન્ટ્રાક્ટરે ભરતભાઈને નોકરી પરથી પગાર આપ્યા વિના જ છુટા કરી દીધા હતા.

  • મહિને 800 વર્ષે 3000 રૂપિયા ઉઘરાવે છે.

બસ આ એક ફેસબુક પોસ્ટની માહિતી મળતા માધવ એન્ટરપ્રાઈઝ મળતા ગીન્નાયેલા કોન્ટ્રાક્ટરે ભરતભાઈને નોકરી પરથી પગાર આપ્યા વિના જ છુટા કરી દીધા હતા. ભરતભાઈના જણાવ્યા પ્રમાણે તેમને આ બાબતે 22 જૂનના રોજ મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરી છે. ભરતભાઈ જણાવે છે કે, માધવ એન્ટરપ્રાઈઝ રોજમદારોને ખાતામાં રોજના રૂ. 310 લેખે પગાર જમા કરે છે, પરંતુ પગારમાંથી રોકડા રૂ. 800 ઉપાડી રોજમદારોને માધવની ઑફીસે આપવા જવા પડે છે. આ રૂ. 800 પરત આપવા સાથે વર્ષે 3000ની રકમ જે હક્ક રજાની મળે છે તે પણ માધવ એન્ટરપ્રાઈઝને રોકડામાં પરત આપી દેવાની હોય છે, જો વિરોધ કરવામાં આવે તો નોકરી છિનવાઈ જાય છે.

  • હક્કની લડાઈ લડવી માત્ર વિકલ્પ.

આ હાલત માત્ર ઉદ્યોગો પુરતી સિમીત નથી શિક્ષણ સહિતની જગ્યાઓ પર કર્મચારીનું શોષણ કરવામાં આવતું હોય છે. પરંતુ આર્થિક રીતે મજબૂર કર્મચારી સરકારી ગાઈડલાઈનોનો થોક હોવા છતા પુરતા વેતન કે હક્ક મેળવી શકતો નથી. કારણ કે જો તે સરકારી કાયદા મૂજબ માંગણી કરે કે હક્ક માંગે તો તેને રજા આપી દેવામાં આવે છે. કોર્ટ કચેરીના ચક્કરમાં પડે તેવો તેની પાસે સમય કે આર્થિક સગવડ હોતી નથી. પરિણામે કર્મચારી કે મજૂર કંઈ કર્યા વિના પોતાના પર થતા અન્યાયો સહન કરવા લાગે છે. પરંતુ આપણી હક્ક માટે આપણે નહીં બોલીએ તો કોણ બોલશે...?