મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : નવા મેયર બીનાબેન આચાર્યની અધ્યક્ષતામાં આજે મનપાના જનરલ બોર્ડની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠક શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના કોર્પોરેટરોએ ઘણા સમયથી બંધ પ્રેક્ષક ગેલેરીમાં બેસી જઈ અનોખો વિરોધ કર્યો હતો. તેમજ બેઠક પૂર્ણ થયા બાદ પણ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન સાગઠિયા અને કાનગડ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી. 

મનપાના જનરલ બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના નગરસેવકોએ અઢી વર્ષથી બંધ પ્રેક્ષક ગેલેરી ખોલવા મુદ્દે અનોખો વિરોધ કર્યો હતો. આ તમામ નગરસેવકોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી લોકો માટે પ્રેક્ષક ગેલેરી નહીં ખોલવામાં આવે ત્યાં સુધી કોંગ્રેસ પ્રેક્ષક ગેલેરીમાં બેસીને જ આ બેઠકમાં ભાગ લેશે. જો કે બાદમાં મેયર દ્વારા નગરસેવકો પોતાની જગ્યાએ ન બેસે તો તેમની ગેરહાજરી પુરવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું. જનરલ બોર્ડમાં ભાજપના અગ્રણી દિનેશ કારિયા અને પી.આઈ બી. પી. સોનારાના વિવાદને લઈને કોંગ્રેસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેના પોસ્ટરો રજૂ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો.

કોંગ્રેસનાં કોર્પોરેટરો પ્રેક્ષક ગેલેરીમાં બેસતા ગેરહાજરી પૂરવામાં આવી હતી. જેને લઈને બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ કોર્પોરેટરો મેયર બીનાબેન આચાર્યની ચેમ્બરમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. દરમિયાન સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન ઉદય કાનગડ પણ ત્યાં આવ્યા હતા અને મેયરને બદલે પોતાની સાથે વાત કરવાનું કહ્યું હતું. જો કે વિરોધપક્ષનાં નેતા વશરામ સાગઠિયાએ તેની સાથે વાત કરવાનો ઇન્કાર કરતા કાનગડ ઉશ્કેરાયા હતા અને સાગઠિયાને "ગેટ આઉટ, તારી કાંઇ જરૂર નથી ચેમ્બર બહાર નીકળી જા, સાગઠિયા તું નીકળ" તેવું કહેતા સામસામે ભારે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કોંગ્રેસનાં કોર્પોરેટરોએ મેયરની ચેમ્બરમાં પણ હોબાળો મચાવ્યો હતો.