પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): છેલ્લાં બે દાયકમાં ગુજરાત પોલીસનો હિસ્સો બનેલા પોલીસ અધિકારીઓ કલ્પના પણ કરી શકશે નહીં કે અમદાવાદ એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યું હતું જ્યારે ગુજરાતના અંડરવર્લ્ડ ડોન અબ્દુલ લતીફના દરિયાપુર સ્થિત નિવાસસ્થાન પોપટીયાવાડમાં પોતાને મર્દ કહેવડાવતા પોલીસ અધિકારીઓ પણ ઘુસવાની હિંમત કરતા ન્હોતા ત્યારે ગુજરાત કેડરના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી ગીથા જોહરી માત્ર બે પોલીસ અધિકારીઓ સાથે લતીફના ઘરમાં ઘુસી ગયા હતા, જયાંથી તેમણે શાર્પ શૂટર શરીફખાનને જીવના જોખમે પકડી લીધો હતો. ત્રણ વર્ષ પહેલા ગુજરાતના પ્રથમ મહિલા ડીજીપી તરીકે નિવૃત્ત થનાર ગીથા જોહરીએ હવે કેડીલા ફાર્માસ્યૂટિકલ માં પ્રેસીડન્ટ તરીકે પોતાનો નવો કાર્યભાર સંભાળી લીધો છે.

1982ના બેંચના આઈપીએસ અધિકારી ગુજરાતના પહેલા મહિલા આઈપીએસ તરીકે ગુજરાત પોલીસનો હિસ્સો બન્યા ત્યારે અમદાવાદમાં ડૉન લતીફનું સામ્રાજય સ્થપાઈ ચુકયુ હતું, થોડાક પૈસાની લાલચમાં ગુજરાત પોલીસ અધિકારીઓને એક સામાન્ય બુટલેગર કયારે ડૉન બની ગયો તેનો અંદાજ જ  રહ્યો નહીં, એક તરફ મસલ્સ -મની પાવર અને બીજ તરફ પોલટીકલ સેલ્ટર મળી જતાં ડૉન લતીફ પોલીસનો બાપ બની ગયો, જાણે અમદાવાદમાં કાયદાનું શાસન સમાપ્ત થઈ ગયું હોય તેવી સ્થિતિ હતી, દરિયાપુરના પોલીસ ઈન્સપેકટરને પોપટીયાવાડ જવું હોય તો એસઆરપીની એક  કંપની એટલે કે ઓછામાં ઓછા સશસ્ત્ર એકસો માણસો વગર પોપટીયાવાડમાં પ્રવેશ કરી શકતા ન્હોતા.


 

 

 

 

 

1990ના દસકમાં લતીફ મુંબઈના દાઉદ ઈબ્રાહીમની તોલે શકિતશાળી બની ગયો હતો, આ વખતે ગુજરાતના પ્રમાણિક અને શકિતશાળી ગૃહમંત્રી સી ડી પટેલે ઓપેરેશન લતીફની જવાબદારી ગુજરાતના મહિલા આઈપીએસ અધિકારી ગીથા જોહરીને સોંપી હતી, જો કે ખાનગીમાં જોહરીના બેંચ મેટ પણ તેમની મશ્કરી કરતા હતા. તેમને મન એક મહિલા અધિકારીને ઓપરેશન લતીફનું કામ આપી સરકારે મઝાક કરી છે, પણ આ મઝાક અને ટીકાઓ વચ્ચે એક દિવસ માત્ર બે અધિકારીઓને ઓટો રીક્ષામાં લઈ ગીથા જોહરી લતીફના ઘરમાં ઘુસી ગયા હતા, આમ પહેલી વખત પોલીસ ધારે તો કોઈ પણ ડૉનની પાટલુન ભીની કરી શકે છે તેવો અહેસાસ તેમણે ગુજરાતના પોલીસના અધિકારીઓને અપાવ્યો હતો.

કેમેસ્ટ્રી વિષય સાથે અનુસ્નાતક ગીથા જોહરી ગુજરાતના ડીજીપી તરીકે નિવૃત્ત થયા હતા, હવે તેમણે પોતાના શિક્ષણનો ઉપયોગ કરી કેડીલા ફાર્માસ્યૂટિકલમાં પ્રેસીડન્ટ (સ્પેશીયલ ડયુટી) તરીકે પોતાની નવી જવાબદારી તા 15 ફેબ્રુઆરીથી સંભાળી લીધી છે.