મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: લોકસંગીત ક્ષેત્રે કચ્છી કોયલ તરીકે નામના મેળવનાર ગીતા રબારીના લોકપ્રિય થયેલા ગીત 'રોણા શેરમા રે...' યુ-ટ્યુબ પર પ્રાદેશિક ગીતોમાં સૌથી વધારે જોવાયેલા ગીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ૨૦ મહિના પહેલા રીલીઝ થયેલા આ ગુજરાતી ગીતે યુ-ટ્યુબ પર ધૂમ મચાવતા ૨૦ કરોડ વ્યૂઅર્સ સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડીયાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

ગુજરાતી ગાયિકા ગીતા રબારીએ લોકસંગીત ક્ષેત્રે ભારે લોકચાહના મેળવી છે. લોકગાયિકા ગીતા રબારીએ ગાયેલું ગીત 'રોણા શેરમા રે...' ૨૦ મહિના પહેલા રીલીઝ થયું હતું. આ ગીત દેશ-વિદેશમાં ખુબ જ લોકપ્રિય થવા સાથે યુ-ટ્યુબ પર આ ગીતે ધૂમ મચાવી હતી. ગુજરાતી ફિલ્મોના ગીતો ઉપરાંત ગુજરાતી ગીતોના આલ્બમ બહાર પાડનાર ગીતા રબારીના આ ગીતે યુ-ટ્યુબ પર પ્રાદેશિક ગીતમાં સૌથી વધુ જોવાયેલા ગીતનો વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બનાવી દીધો છે.

ગીતા રબારીએ ગાયેલું ગીત 'રોણા શેરમા રે...' યુ-ટ્યુબ પર કુલ ૨૦ કરોડ વખત જોવામાં આવ્યું છે. ભુજમાં ૨૫ ડિસેમ્બરે યોજાયેલા એક સમારોહમાં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડીયાના પ્રતિનિધિ મિલન સોનીનાં હસ્તે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડીયાના સર્ટીફીકેટ તેમજ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ નગરપતિ શંકર સચદે, એનઆરઆઈ ફેસ્ટીવલ કાઉન્સીલમાં હસું ઠક્કર તેમજ અગ્રણીઓ મનસુખ ગોરસિયા, જેમલ રબારી અને વિનોદ વરસાણી વગેરે હાજર રહ્યા હતા.