મેરાન્યૂઝ નેટવર્ક, ભૂજ: કોરોના મહામારીનો સામનો કરવા માટે સરકાર દ્વારા વેક્સિનેશન માટે ઓનલાઇન સ્લોટ બુક કરાયા બાદ જે તે કેન્દ્ર પર જઇ રસી લેવાનો નિયમ બનાવાયો છે ત્યારે લોક ગાયક ગીતા રબારીએ તેમના ઘરે જઇને ફિમેલ હેલ્થ સુપરવાઈઝર દ્વારા રસી આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જે અંગે કાર્યવાહી રૂપે ગીતા રબારીને માત્ર ઠપકો આપી ફરી આવી ભૂલ ન થાય તેમ જણાવાયુ છે. જ્યારે રસી આપવા ઘરે જનાર ફિમેલ હેલ્થ સુપરવાઈઝરની બદલી કરવામાં આવી છે. 

કચ્છમાં 18થી 44 વર્ષની વય મર્યાદામાં આવતી વ્યક્તિને ઓન લાઈન રજિસ્ટ્રેશનથી કેન્દ્રમાં સ્લોટ મેળવવાનો હોય છે, જેમાં કેટલાય લોકો લોગ ઈન થાય એ પહેલા લોગ આઉટ થઈ જતા હોય છે. એટલું જ નહીં પણ પસંદગીનું કેન્દ્ર ન મળવાથી 45 મિનિટથી 2 કલાક સુધીની મુસાફરી કરીને રસી લેવા જતા હોય છે. બીજી બાજુ ગત શનિવારે ગીતા રબારીને તેમના ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી અપાઈ હતી. ગીતા રબારીઅએ ટ્વિટરમાં પોસ્ટ કરી બોલતો પુરાવો પણ આપી દીધો હતો, જેથી જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાયા હતા.

જે બાદ તેમણે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢકન પાસે સંબંધિત વ્યક્તિનો ખુલાસો માંગ્યો હતો, જેમાં માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરનો ખુલાસો મંગાયો હતો. જેમણે કોના કહેવાથી એે કૃત્ય કર્યું એેનો ખુલાસો કર્યો ન હતો. બીજી બાજુ ગીતા રબારીને તેમના કૃત્યને અશોભનીય ગણાવીને બીજી વખત આવું કૃત્ય ન કરવા ઠપકો અપાયો હતો. ત્યારબાદ ગુરુવારે ફિમેલ હેલ્થ સુપરવાઈઝર ચંદ્રિકા જી. વાઘેલાની ભુજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બદલી કરી દેવાઈ છે, જેમાં જાહેર હિતાર્થે અને વહીવટી કાર્યવાહીને આધિન ફેરબદલી બતાવાઈ છે. જો કે મહત્વની વાત એ છે કે ફિમેલ હેલ્થ સુપરવાઇઝરને કોણે ગીતા રબારીના ઘરે જઇને રસી આપવાનો આદેશ આપ્યો તે અંગે ભીનું સંકેલી લેવામાં આવ્યું છે.