ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : બાંગ્લાદેશની કાપડ મિલો ભારતના રૂથી અળગી થવા લાગી છે. અત્યાર સુધી રૂ આયાતનો મુખ્ય સ્ત્રોત ભારત હતું, પણ ગયા વર્ષથી ભારત પરની નિર્ભરતા ઘટાડીને ઉત્તર અને પશ્ચિમ આફ્રિકન દેશોને વધુ પ્રાથમિકતા આપવા લાગ્યા છે. ૨૦૧૯મા બાંગ્લાદેશે તેની કુલ માંગનું ૧૮ ટકા રૂ ભારતથી આયાત કર્યું હતું, ૨૦૧૮મા આ આંકડો ૨૬ ટકા હતો. બાંગ્લાદેશની કાપડ મિલો કહે છે કે ભારતીય રૂમાં કચરાની ભેળસેળ અમારા માટે માથાનો દુ:ખાવો છે.

ડોનાલ્ડ ટ્રમ્પના બખેડાનો જવાબ ચીને વેપારના માધ્યમથી આપવાનું શરુ કર્યું છે. પરંતુ વેપારી સમાજે આપેલો સાવ ઠંડો પ્રતિસાદ દર્શાવે છે કે, રોકાણકારો બન્ને તરફના ઝઘડાને, તીરે ઉભી તમાસો જોવામાં માનતા થયા છે. ચીને અમેરિકાથી મોટાપાયે મકાઈ અને રૂ ખરીદવાની પ્રક્રિયા અટકાવી દીધી છે. સામાન્ય રીતે ચીન તેની વપરાશી આવશ્યકતાનું ૧૬ ટકા રૂ અમેરિકાથી ખરીદતું હતું. ઓસ્ટ્રેલિયાનો ૪૦ વર્ષનો સૌથી ઓછો પાક, ચીનને ફોરવર્ડ સોદામાં વેચી નાખ્યો છે.

ભારતમાં રૂનો વપરાશ ૩૦થી ૩૫ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) ઘટવાનો ભય છે, બીજી તરફ કોરોના લોકડાઉનએ કાપડ મિલોની કમર ભાંગી નાખી છે. આ બધા કારણોસર ભારતીય બજારમાં રૂના ભાવ ૧૫ ટકા જેટલા નીચે આવી ગયા છે. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડીયા માને છે કે આ વર્ષે ૨૫ લાખ ગાંસડી આયાત અંદાજ છે જેમાંથી ૧૨ લાખ ગાંસડી આયાત થઇ ગઈ છે. સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં ૪૨ લાખ ગાંસડી નિકાસનો લક્ષ્યાંક છે, આમાંથી ૩૨ લાખ ગાંસડી વિદેશ ચઢી ગઈ છે.
       
ઇન્ટરનેશનલ કોટન એદ્વાઈઝરી કમિટી (આઈસીએસી)એ તેના માસિક અહેવાલમાં કહ્યું છે કે કોરોના મહામારીને નાથવા તમામ દેશોએ જે રીતે નિયંત્રક પગલાં લીધા છે, તેને લીધે રૂનો વૈશ્વિક વપરાશ અને વેપાર બન્ને સાવ ધીમા પડી ગયા છે. અલબત્ત, કમિટીએ ૨૦૧૯-૨૦ના સરેરાશ વાર્ષિક ભાવનો અંદાજ ૭૨.૮ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) મુક્યો છે. શુક્રવારે આઈસીઈ ન્યુયોર્ક જુલાઈ વાયદો ૧૨ માર્ચ પછીની નવી ઉંચાઈએ ૬૦.૨૬ સેન્ટ મુકાયો હતો.  

અમેરિકન કૃષિ મંત્રાલયનો તાજો અંદાજ કહે છે કે વૈશ્વિક રૂ ઉત્પાદન ૩ ટકા ઘટીને ૧૧૮૯.૫ લાખ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો) આવશે. કોત્લુક (કોટન આઉટલુક) ઇન્ડેક્સએ તેના મે માસિક અહેવાલમાં કહ્યું હતું કે ૨૦૧૯-૨૦ (ઓગસ્ટ-જુલાઈ)નો જાગતિક રૂ વપરાશ અંદાજ એપ્રિલમાં ૨૨૫ લાખ ટન મુક્યો હતો, તે ઘટાડીને ૨૨૨ લાખ ટન મુક્યો છે. મહત્વના બજારોમાં રૂની ખપત સારી એવી ઘટી જવાને પગલે વર્ષાંત પુરાંત સ્ટોક વધવાની ચિંતાઓ શરુ થઇ ગઈ છે. આખી દુનિયામાં વર્તમાન મોસમનો વર્ષાંત સ્ટોક અગાઉના મહિનામાં ૩૫.૬ લાખ ટન અંદાજાયો હતો તે હવે પાંચ વર્ષની નવી ઉંચાઈએ ૩૬ લાખ ટન મુકવામાં આવ્યો છે.

ભારતમાં રૂ ઉત્પાદન ઘટવાના ભયે આઈસીએસીએ પણ વૈશ્વિક રૂ ઉત્પાદનનું નવું અનુમાન ૨૫૮ લાખ ટન મુક્યું છે. કમિટીએ ભારતનો નવો ઉત્પાદન અંદાજ ૬૨.૯ લાખ ટનથી ઘટાડીને ૬૦.૪ લાખ ટન મુક્યો છે. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડીયા ૨૦૧૯-૨૦ (ઓકટોબર-સપ્ટેમ્બર) મોસમનો ઉત્પાદન અંદાજ ૩૫૪.૫ લાખ ગાંસડીથી ઘટાડીને ૩૩૦ લાખ ગાંસડી મુક્યો છે. વર્ષાંત સ્ટોક ૫૦ લાખ ગાંસડી અંદાજાયો છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)