મેરાન્યૂઝ નેટવર્ક.ગરબાડાઃ ગરબાડા તાલુકામાં આવેલા ગુંગરડી ગામમાં આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. એક પરિવારે પોતાની 4 દીકરીઓને એક સાથે ગુમાવી દીધી છે. આ ચારેય દીકરીઓ પાટાડુંગરી તળાવમાં ન્હાવા માટે ગઈ હતી. આ દરમિયાન ડૂબી જતાં તેમના મોત થયા હતા. ચાર દીકરીઓના મોતથી આખુ ગામ ગમગીન બની ગયું છે.

ગુંગરડી ગામના માળ ફળિયાના કનુ ભાભોર, હરમલ ભાભોર, ઉદેસિંગ ભાભોર, કમલેશ ભાભોર વરસાદ સારો પડતાં વાવેતર કરવા ખેતરમાં ગયા હતા આ ચારેય ભાઈઓની દીકરીઓ પાયલ કનુભાઈ (ઉં.વ.12 ), મિતલ હરમલભાઈ ભાભોર (ઉં.વ. 11), જોશનાબેન ઉદેસિંગભાઈ (ઉં.વ. 10) અને નીલમબેન કમલેશભાઈ ભાભોર (ઉં.વ. 8) બકરા ચરાવવા ઘરેથી પાટાડુંગરી તળાવ પાસે ગઈ હતી. બકરા ચરાવતા ચરાવતા તળાવને મળતી ખરોડ નદીના તટમાં સારું એવું પાણી ભરાયેલું જોઈ તેમને ન્હાવા પડવાની ઈચ્છા થઈ અને તેઓ પાણીમાં છબુકીયા લગાવવા પડ્યા હતા.

ગત મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત ન આવ્યા જેને કારણે પરિવારજનોમાં ચિંતા થવા લાગી હતી. પરિજનોએ તુરંત તેમની શોધખોળ ચાલુ કરી હતી. પરિવારજનોને શોધખોળ દરમિયાન તળાવ પાસે તેમના કપડા પડેલા જોયા તો પછી તળાવમાં તેમની શોધ શરૂ કરી હતી, કારણ કે તળાવ પાસે પડેલા કપડાથી અંદાજ આવતો હતો કે તેઓ પાણીમાં ન્હાવા પડ્યા હોઈ શકે છે. અંદાજે ચારેક કલાકની શોધખોળ બાદ તેમના મૃતદેહ એક પછી એક મળી આવ્યા. આ ઘટનાએ આખા ગામને હચમચાવી મુક્યું છે. એક જ પરિવારે ચાર લક્ષ્મી જેવી દીકરીઓ ગુમાવતા પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર આવી ગઈ હતી અને તમામ મૃતક દીકરીઓના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતા.