પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): થોડા દિવસ પહેલાની ઘટના છે, મેં સૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર ગુંડા અંગે લખ્યુ, મે તે ગુનેગારના નામની આગળ ગુંડા શબ્દનો પ્રયોગ કર્યો હતો, એક વાચકને માઠુ લાગ્યુ,તેમનો વાંધો ગુંડા શબ્દના પ્રયોગ સામે હતો,વાચક પોતાની નારાજગી વ્યકત કરતા લખે છે તમે જેમના નામની આગળ ગુંડા શબ્દનો પ્રયોગ કર્યો,તે કોમના લોકોએ દેશની આઝાદીની લડાઈમાં આપેલા યોગદાન અંગે તમને ખબર નથી, મને બહુ આશ્ચર્ય થયુ કે કોઈ એક કોમના કેટલાક દેશપ્રેમી લોકો દેશ માટે લડયા,તેના કારણે તે કોમના અન્ય લોકો અને તેમાં પણ આઝાદી પછી જન્મેલા લોકો,મન ફાવે તેમ જીવવાનો અધિકાર મળી જાય, તે કોમના લોકો હથિયાર રાખે લુંટ કરે, હથિયાર રાખે, અને હત્યા પણ કરી નાખે કારણ તેમના પુર્વજો દેશ માટે લડયા હતા .

તેનો અર્થ આ દેશના વણિકો કઈ પણ ખોટુ કરે તો પણ આપણે તેમને માફ કરવાના તેમના વિશે બોલવાનું અને લખવાનું નહીં કારણ ગાંધીજી વણિક હતા, અને તેમણે દેશ માટે જે કઈ કર્યુ તેના કારણે હર્ષદ મહેતા અને મેહુલ ચૌકસીને ગોટાળા કરવાનો અધિકાર મળી જાય છે. ગુજરાતમાં રહેતા પટેલો કઈ પણ કરી શકે કારણ આઝાદીની લડાઈમાં પોતાની જીંદગી ખર્ચી નાખી, મૌલાના આઝાદ અને ખાનઅબ્દુલ ગફારખાને પણ આઝાદી માટે કિમત ચુકવી એટલે આપણે અબ્દુલ લતીફ અને દાઉદ ઈબ્રાહીમને સહન કરવાના તેવો જ અર્થ થાય, પણ યોગ્ય નથી. કોઈ ગુંડાને ધર્મ અને કોમ સાથે ખાસ નીસ્બત હોતી નથી, અકસ્માતે તે જે ધર્મ અને કોમમાં જનમ્યો છે તેનો તે ગેરલાભ લે છે.

1980માં દારૂનો નાનકડો ધંધો શરૂ કરનાર અ્બ્દુલ લતીફનો જયારે ડંકો વાગવા લાગ્યો ત્યારે મુસ્લિમ યુવાનોએ તેને કોમનો નેતા માનવાની ભુલ કરી હતી, પણ લતીફને માત્ર મુસ્લિમ યુવાનોનો ઉપયોગ કરી પોતાનો ધંધો કરવો હતો, શરૂઆતના ગાળામાં લતીફે જેમને નિશાન બનાવ્યા તે બધા જ હિન્દુ હતા,જેના કારણે તે મુસ્લિમ તરફી અને હિન્દુ વિરોધી તેવી છાપ હતી,પણ તે ભ્રમ હતો, લતીફને લતીફ થવામાં મદદ કરનાર તમામ પોલીસ અધિકારીઓ હિન્દુ હતા, પણ કાલુપુરમાં રહેનાર એક સજજન મુસ્લિમ જેઓ કોંગ્રેસના સાંસદ પણ હતા તેવા રઉફવલીઉલ્લાહ તેઓ માનતા હતા,કે લતીફ મુસ્લિમો માટે કલંક છે અને તે દરિયાપુરના મુસ્લિમ યુવાનોની જીંદગી બરબાદ કરી રહ્યો છે,એટલે લતીફે રઉફની હત્યા કરાવી નાખી આમ ગુંડાની સામે પડો ત્યારે તે પોતાના કોમના લોકોને પણ છોડતો નથી.

લતીફ રઉફની હત્યા બાદ પાકિસ્તાન જતો રહ્યો અને પાછો આવ્યો ત્યારે પકડાઈ ગયો ત્યાર બાદ તેણે મુસ્લિમ શ્રીમંતોને નિશાન બનાવવી પૈસા પડાવવાની શરૂઆત કરી હતી, જેમા પૈસા આપવાની ના પાડનાર સગીર અહેમદની પણ હત્યા કરાવી નાખી હતી, આમ ગુંડાનો પોતાના ધર્મ અને કોમ સાથે કોઈ નીસ્બત હોતી નથી,તે કોમનો ઉપયોગ કરવા માટે લુંટના થોડા પૈસા કોમના ગરીબોને આપી કોમનનો મસિહા હોવાનો ડોળ કરે છે આવુ માત્ર લતીફે કર્યુ તેવુ નથી, હિન્દુ ગુડાઓ પણ આવુ જ કરે છે અમદાવાદના કુખ્યાત સુધાકર મરાઠા અને હંસરાજ જેવા ગેગસ્ટરોએ પણ હિન્દુ હોવાનો ફાયદો લીધો તેમણે પોતાની કોમના કયા વિધ્યાર્થીને એમબીએ થવામાં મદદ કરી,કોને કરિયાણાની દુકાન ખોલી આપી, આ ગુંડાઓ કોઈને મદદ કરે તેમાં પણ પોતાનો ફાયદો જોતા હોય છે.ખાસ બીજી બાબત એવી છે ગુંડાના મનમાં પણ સતત તે ખોટુ કરે છે તેવો દોષીતભાવ હોય છે એટલે તે કયાં થોડુ સારૂ કરી પોતાનો અપરાધભાવ ધોવાનો પ્રયત્ન કરતો હોય છે,

ગુંડો -ગુંડો જ હોય છે તે હિન્દુ હોતો નથી, તે મુસ્લિમ હોતો નથી. વણિક હતો નથી, બ્રાહ્મણ હોતો નથી, બળાત્કારી ગુજરાતી હોતો નથી, બીહારી હોતો નથી, હત્યારો ગરીબ હોતો નથી, શ્રીમંત હોતો નથી આમ આપણી કોમમાં પણ જન્મેલી વ્યકિત ખોટુ કરે તો તે આપણી કોમનો છે તેના કારણે ન્યાયી ઠેરવી શકાય નહીં, આપણે ત્યાં વર્ષોથી મુસ્લિમોના દેશપ્રેમ અને તેમની દેશવિરોધી પ્રવૃત્તીઓ અંગે આપણે શંકા અને ચર્ચા બંન્ને કરતા આવ્યા છીએ, પણ દેશનો ઈતિહાસ તપાસીએ તો ભારતીય સેનાની જાસુસી કરતા પકડાયેલા 99 ટકાઓ હિન્દુઓ છે.છતાં આપણે કયારેય હિન્દુઓની રાષ્ટ્રીયતાને શંકાની નજરે જોતા નથી કારણ તે હિન્દુ છે, કોઈ કોમના ગુંડાએ ગરીબ માણસોના બાળકો માટે સ્કુલ બનાવી,તેમને ભણાવી, મોટા માણસ બનાવ્યા હોય તેવુ મારા ધ્યાનમાં નથી,તમારા ધ્યાનમાં હોય તો મને કહેજો.