પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): તા 24 સપ્ટેમ્બર 2002 ગાંધીનગર રાબેતામુજબ જીવી અને ધબકી રહ્યું હતું, સરકારી કચેરીઓમાં કામ કરતા સરકારી બાબુઓ સિવાય આ શહેર આમ તો સાવ નીરસ બની જાય છે, ગાંધીનગરમાં નોકરી કરતા હજારો નાના મોટા અધિકારીઓ પણ ગાંધીનગરને બદલે અમદાવાદમાં રહેવાનું પસંદ કરે છે એટલે સાંજ પડે ત્યારે ગાંધીનગર લગભગ ભેંકાર બની જતુ હોય છે, પણ તે દિવસની સાંજ ગાંધીનગર ભેંકાર બનવાનું ન્હોતુ, આમ તો ગાંધીનગરમાં ક્રાઈમ રેટ ઓછો હોવાને કારણે ગાંધીનગર પોલીસને સચિવાલય-વિધાનસભાના અને કોઈ રેલી આવવાની હોય તેના બંદોબસ્ત સિવાય શાંતિ હોય છે. સિનિયર અધિકારીઓ સવારે પોતાની ઓફિસમાં પહોંચી બપોરના જમવા માટે ઘરે આવતા હોય છે, આવું જ તે દિવસ પણ બન્યું હતું.

ગાંધીનગરના ડેપ્યૂટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ ગીરીશ સિંઘલ બપોર સુધી ઓફિસમાં કામ કરી ઘરે આવ્યા હતા. સાંજના સાડા ચાર વાગે તે યુનિર્ફોમ પહેરી ઓફિસ જવાની તૈયારી કરી રહ્યા હતા. તેમની સરકારી ગાડી અને કમાન્ડો તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ગીરીશ સિંઘલના મોબાઈલ ફોનની ઘંટડી રણકે છે, સિંઘલે ફોનના સ્ક્રીન ઉપર જોયુ અને બ્લીન્ક થઈ રહેલુ નામ વાંચ્યુ , ફોન અમદાવાદના પોલીસ કોન્સટેબલ ડાભીનો હતો, સિંઘલની બદલી ગાંધીનગર થઈ તે પહેલા તેઓ અમદાવાદ હતા જેના કારણે કોન્સટેબલ ડાભી તેમના પરિચયમાં આવ્યો હતો.

સિંઘલે ફોન ઉપાડતા ઉતાવળમાં કોન્સટેબલ ડાભીએ જયહિન્દ કહેતા કહ્યું સર મારો દિકરો હમણાં અક્ષરધામ છે, તે મિત્રો સાથે ફરવા ગયો છે દિકરાનો મને હમણાં ફોન આવ્યો કે અક્ષરધામમાં ફાયરિંગ થઈ રહ્યું છે, ડાભીની વાત સાંભળતા સિંઘલ એકદમ એલર્ટ મોડમાં આવી ગયા, સાંજનો સમય હતો. અક્ષરધામમાં આ સમયે તો લોકોની ભીડ ખુબ હોય છે, ફાયરિંગ કેમ થયું, કોણે કર્યું હશે વગેરે વિચારો એક સાથે દોડી આવ્યા, સિંઘલે ફોન મુકતા ડાભીને કહ્યું ઓકે હું ત્યાં પહોચું છું. સિંઘલ પોતાના ઘરમાંથી રીતસર દોડતા બહાર નિકળ્યા બહાર ઉભા રહેલા કમાન્ડોને પણ સાહેબને આ રીતની ઉતાવળ જોતા આશ્ચર્ય કારણ એવી કોઈ ઘટના બની હોય તેવું તેના ધ્યાનમાં ન્હોતું.

ડ્રાઈવરે પણ તરત ગાડી સ્ટાર્ટ કરી, કમાન્ડોએ સલામ કરી અને આગળની સીટમાં તે ગોઠવાઈ ગયો, ગીરીશ સિંઘલે ઉતાવળમાં કારમાં બેસતા કહ્યું તરત અક્ષરધામ લઈ લો, કારમાં બેસતા પહેલા તેમણે પોતાની રિવોલ્વર ચેક કરી, ફુલ લોડેડ હતી. તેમની કાર સેકટર -4માંથી નીકળી અક્ષરધામના સેકટર 30 તરફ દોડી રહી હતી. કારની ઝડપ કરતા સિંઘલનું મગજ વધારે ઝડપે દોડી રહ્યુ હતું, તેમણે તરત પોતાનો ફોન લીધો અને ગાંધીનગર કંટ્રોલને જાણ કરી કહ્યું તરત ફોર્સ અક્ષરધામ મોકલી આપો. હજી ત્યાંની સ્થિતિની કોઈને ખબર ન્હોતી, કંટ્રોલરૂમ પણ સંપુર્ણ રીતે અજાણ હતું છતાં ડેપ્યૂટી એસપીનો આદેશ હોવાને કારણે કંટ્રોલરૂમે પણ નજીકની તમામ મોબાઈલ વાનને અક્ષધામ પહોંચી જવા આદેશ આપ્યો, તે જ વખતે ડીવાયએસપી સિંઘલને વિચાર આવ્યો તેમણે બીજો ફોન જોડયો પીએસઆઈ ભરત પટેલને અને પુછ્યું ભરત કયાં છે. પીએસઆઈ ભરત પટેલે કહ્યું સેકટર 30માં આવ્યો છું કોર્ટના કામે.

અક્ષરધામ સેકટર 30માં આવેલું છે અને પીએસઆઈ ભરત પટેલ નજીકમાં આવેલી કોર્ટમાં જ હતા, સિંઘલે આદેશાત્માક ભાષામાં કહ્યું ભરત તાત્કાલીક અક્ષરધામ પહોંચ, હું ત્યાં પહોંચી રહ્યો છું. ફાયરિંગ થઈ રહ્યું છે. ભરત પટેલ કોર્ટમાંથી નીકળી અક્ષરધામ જવા રવાના થયા, થોડીક મીનિટોમાં સિંઘલ અક્ષરધામના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા તેમણે જોયું તો માહોલમાં એક વિચિક્ષ પ્રકારનો ડર અને તનાવ હતો, કેટલાંક લોકો મંદિરમાંથી બહારની તરફ ભાગી રહ્યા હતા, લોકો શું કામ ભાગી રહ્યા છે તેની ખબર પડતી ન્હોતી કાર ઊભી રહેતા ગીરીશ સિંઘલ અને તેમનો કમાન્ડો અંદરની તરફ દોડયા અને અંદર જતા ડાબી તરફનું દ્રશ્ય  જોઈ સિંઘલ એકદમ અટકી ગયા, તે બાળકોને રમવાનો ચીલડ્રનપાર્ક હતો, ત્યાં બે ત્રણ લાશો પડી હતી. તેમના શરીર ઉપર અનેક ગાળી વાગી હતી. તે જ વખતે સામેથી હાથમાં પીસ્તોલ સાથે દોડતા પીએસઆઈ ભરત પટેલ આવ્યા તેમણે કહ્યું સર પાછળની તરફ એકઝીબીશન સેન્ટરની એકઝીટ ગેટ તરફ કઈક થયુ છે. સિંઘલે ભરત પટેલને અક્ષરધામની પાછળના ભાગેથી ત્યાં પહોંચવા આદેશ આપ્યો.

જો કે આપરેશન શરૂ કરતા પહેલા સ્થિતિને સમજવાની જરૂર હતી, ત્યાં હાજર એક સ્વામિનારાય સંપ્રદાયના સ્વામીની માહિતી પ્રમાણે આશરે 20-25 વર્ષના છોકરાએ ગેટ નંબર 4 તરફની ગ્રીલ કુદી અંદર આવ્યા તેમની પીઠ ઉપર થેલા હતા. તેમને જોતા ત્યાં હાજર સ્વંય સેવક અને સીકયુરીટી ગાર્ડે તેમનો સામાન ચેક કરવાનું કહેતા તેમણે અચાનક લોકો ઉપર પોતાની પાસે રહેલા ઓટોમેટીક હથિયાર વડે ગોળીબાર કર્યો અને તેઓ સીધા મંદિર તરફ ગોળીબાર કરતા ગયા, પણ મુખ્ય દરવાજા ઉપર રહેલા ગાર્ડે મુખ્યમંદિરના ગાર્ડને ફોન કરી ગેટ બંધ કરી દેવાનું કહેતા તેણે ગેટ બંધ કરી દિધો જેથી તેમણે મંદિરના ગેટ ઉપર ગોળી છોડ઼ી અને તેઓ એકઝીબેશન સેન્ટર તરફ ગયા છે. સ્વામી ટુંકાણમાં વાત કરી રહ્યા હતા ત્યારે પીએસઆઈ ભરત પટેલે સિંઘલને ફોન કરી કહ્યુ સર જલદી પાછળ તરફ આવો, ગીરીશ સિંઘલ અને તેમનો કમાન્ડો તરત  પાછળના ભાગે દોડયા પણ ત્યાં જઈ જુવે છે તો અનેક લાશો પડી હતી અને અનેક લોકોને ગોળીઓ વાગી  હોવાને કારણે લોહીલુહાણ હાલતમાં પડયા હતા ભરત પટેલ અને ગીરીશ સિંઘલની પ્રાથમિકતા હતી કે જેઓ ઘાયલ છે તેમને ત્યાંથી બહાર કાઢે, પણ સાથે ડર પણ હતો કે હથિયારબંધ લોકો તેમની ઉપર હુમલો પણ કરી દે.

પણ હમણાં પોતાની ચીંતા કરવાનો વખત ન્હોતો, ભરત પટેલ અને ગીરીશ સિંઘલે એક હાથમાં પોતાના હથિયાર પકડયા અને બીજા હાથે ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની શરૂઆત કરી આ વખતે સાથે રહેલા કમાન્ડોને એલર્ટ રહેવાની સુચના આપી, એકઝીબીશન સેન્ટરના ત્રણ હોલ છે, સિંઘલ અને ભરત પટેલે એક પછી એક ત્રણે હોલમાં રહેલા જીવતા લોકોને બહાર કાઢયા અને સ્થાનિકોની મદદ લઈ લાશો પણ હટાવી લીધી, લઘભઘ અર્ધો કલાકમાં ત્રણ હોલ ખાલી થઈ ગયા, સ્વામીની જાણકારી પ્રમાણે બે વ્યકિતઓ હતી અને મરનારને જે ગોળીઓ વાગી હતી તે પ્રમાણે મંદિરમાં ધુસી આવેલા લોકો પાસે એ કે 47 રાયફલ હતી આ ઉપરાંત તેમણે હેન્ડ ગ્રેનેડ પણ ફેંકાય હતા તે પણ જોઈ શકાતુ હતું ગીરીશ સિંઘલને પરિસ્થિતિ સમજતા વાર થઈ નહીં તેઓ સમજી ગયા કે આ ટેરેરીસ્ટ એટેક છે., હવે વધારે સાવચેતી સાથે કામ કરવાનું હતું પણ મંદિરમાં ઘુસી આવેલા ટેરેરીસ્ટ સાથે હજી ગીરીશ સિંઘલનો ભેટો થયો ન્હોતો, ટેરેરીસ્ટ અક્ષરધામમાં જ હતા પણ કયાં છે તેની ખબર ન્હોતી.

હવે બીજી અગ્રતા એવી હતી કે ટેરેરીસ્ટને શોધી કાઢવાના હતા એક પણ એક હોલ ખાલી કરાવી દીધા હતા, ટેરેરીસ્ટ કયાં છે તે શોધવા માટે ગીરીશ સિંઘલ, ભરત પટેલ અને કમાન્ડોએ સેઈફ પોઝીશન લીધા અને સિંઘલે ઈશારો કરતા પહેલા ભરત પટેલે પોતાની પીસ્તોલમાંથી એક રાઉન્ડ ટેસ્ટ ફાયર કર્યો અને તરત કમાન્ડોએ કાર્બાઈનમાંથી ટેસ્ટ ફાયર કર્યો સિંઘલ રાહ જોઈ રહ્યા હતા કે બે રાઉન્ડ ફાયર થયા પછી ટેરેરીસ્ટ તરત વળતો જવાબ આપશે અને તેઓ કયાં છે તેની ખબર પડશે, પણ તેવુ કઈ જ થયુ નહીં આ વખતે એક બંધ હોલના દરવાજા પાછળથી માણસોનો અવાજ આવ્યો એટલે ભરત પટેલે તે દરવાજોને નોક કર્યો , અંદરથી અવાજ આવી રહ્યો હતો પણ દરવાજો ખુલ્યો નહીં, ભરત પટેલે અંદર રહેલા લોકોને કહ્યુ હું પીએસઆઈ ભરત પટેલે છુ દરવાજો ખોલો, થોડીવાર શાંતિ રહી અને પછી દરવાજો ખુલ્યો, આ હાલના સ્વંય સેવકે સમય સુચકતા દાખવી હોલનો દરવાજો બંધ કરી દેતા ત્યાં રહેલા લોકો બચી ગયા હતા.

ગીરીશ સિંઘલ, ભરત પટેલ અને કમાન્ડો અંદર રહેલા 70-80 લોકોને કવરીંગ આપી ત્યાંથી સલામત રીતે બહાર કાઢયા આ વખતે ગાંધીનગરના ઈનચાર્જ ડીએસપી આર બી બ્રહ્મભટ્ટ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેકટર વી આર ટોળીયા પોતાના સ્ટાફ સાથે આવી પહોંચ્યા, અક્ષરધામ ઉપર ટેરેરીસ્ટ એટેક થયો છે તેની જાણકારી મળતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઓફિસમાંથી પણ આદેશ મળવા લાગ્યા હતા જેના કારણે ડીજીપી ચક્રવર્તી  આઈજીપી વી વી રબારી સહિત સિનિયર આઈપીએસ અધિકારીઓ અક્ષરધામ પહોંચી ગયા, અક્ષરધામને ચારે તરફ પોલીસે કોર્ડન કરી લીધુ હતું હવે ઓપરેશન ટેરેરીસ્ટ પાર પાડવાનું હતું પણ ટેરેરીસ્ટ કયાં સંતાયા છે તેનો પત્તો લાગતો ન્હોતો, સાંજ થઈ ગઈ અને અંધારૂ થવાની તૈયારીમાં હતું ત્યારે એક સ્વામીએ આવી જાણકારી આપી કે એકઝીબીશન હોલની ઉપર આવેલી ધુમટી પાછળ બે માણસો નમાઝ પઢી રહ્યા હોય તેવુ દેખાઈ રહ્યુ છે, સ્વામીની માહિતી સાચી નિકળી, ટેરેરીસ્ટ ધુમટીની આડશમાં બેઠા હતા.

ત્યાં હાજર અધિકારીએ ઓપરેશનો પ્લાન નક્કી કર્યો, આઈજીપી વી વી રબારીએ ચેતક કમાન્ડો સાથે સીડી વાટે ઉપર જઈ ટેરેરીસ્ટ સુધી જવાનું હતું જયારે ચેતક કમાન્ડોની બીજી ટીમે નીચેથી ઉપર તરફ પોઝીશન લેવાની હતી, બાકીના પોલીસ અધિકારીઓ અલગ અલગ પોઝીશનમાં રહી ઉપર જઈ રહેલી વી વી રબારીની ટીમને કવરીંગ આપવાનું હતું, એકદમ અંધારૂ થઈ જાય તે પહેલા ઓપરેશન પાર પાડવાનું હતું ટેરેરીસ્ટનું લોકેશન હવે નક્કી હતું, બુલેટ પ્રુફ ઝાકીટ અને હથિયાર બંધ ચેતક કમાન્ડો સાથે વી વી રબારી ઉપર ગયા પણ  ચાલતા ત્યાં સુધી પહોંચો તો ટેરેરીસ્ટ તેમને અચુક જોઈ શકે તેમ હતા જેના કારણે આઈજીપી રબારી સહિત તમામ જવાનો ક્રાઉલીંગ( શરીર ઉપર સુતા સુતા ઘુંટણ અને હાથની કોણી ઉપર ચાલવુ) કરી ટેરેરીસ્ટ તરફ આગળ વધી રહ્યા હતા, આખી ટીમની આગળ  વી વી રબારી હતી, હવે ક્રાઉલીંગ કરી ડાબી તરફ વળવાનું હતું,

ડાબી તરફ વળતા પહેલા રબારીએ માથુ બહાર કાઢી ડાબી તરફ જોયુ તેની સાથે ટેરેરીસ્ટ દ્વારા બસ્ટ ફાયર કર્યુ, આ પ્રકારનો વળતો હુમલો થશે તેવી પોલીસને કોઈ અંદાજ ન્હોતો, અચાનક ટેરેરીસ્ટ તરફથી ફાયર થતાં આખી ટીમ જીવ બચાવવા માટે ક્રાઉલીંગ કરતી પાછી ફરી બંન્ને ટેરેરીસ્ટને અંદાજ આવી ગયો કે તેઓ ઘેરાઈ ગયા છે, એક ટેરેરીસ્ટે માથુ ઉંચુ કરી નીચે કોણ છે તે જોયુ અને બીજુ બસ્ટ ફાયર ઘેરો ઘાલી ઉભા રહેલા ચેતક કમાન્ડો ઉપર કરતા કમાન્ડો ગામીતીનું શરીર ચારણી થઈ ગયુ, પોઝીશન લઈ ઉભા રહેલા પોલીસ અધિકારીઓએ વળતો હુમલો કર્યો પણ ટેરેરીસ્ટ ઘુમટીની આડમાં જતા રહેતા હતા, ત્યારે પીએસઆઈ ભરત પટેલને ખ્યાલ આવ્યો કે એક થાંભલાની આડમાં રહેલા ડીવાયએસપી સિંઘલ ટેરેરીસ્ટની રેંજમાં આવી ગયા છે આ વખત ન્હોતો કે ભરત પટેલ પોતાના સિનિયરને ચેતવે , તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેઓ સિંઘલની પાછળ ગયા અને તેમનો એક પગ પકડી તેમને રીતસર પાછળ ઢસડી લઈ ગયા,

અચાનક બંન્ને ટેરેરીસ્ટ દ્વારા ફાયરિંગ બધુ થઈ ગયુ  પોલીસને અંદાજ આવી રહ્યો ન્હોતો કે તેઓ શુ કરી રહ્યા છે, અંધારાને કારણે હવે ત્યાં જોઈ શકાય તેવી સ્થિતિ પણ ન્હોતી, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઓફિસમાંથી હવે કેન્દ્રીયના ગૃહમંત્રી લાલકુષ્ણ અડવાણીની ઓફિસમાં ફોન શરૂ થઈ ગયા હતા કારણ કેન્દ્ર સરકાર પણ એક એક મિનીટનો રીપોર્ટ માંગી રહી હતી, આ વખતે મંદિરના જમણાં હાથ પાસેના મકાનમાં પોલીસ ઉપર ફાયરિંગ શરૂ થયુ, કોઈને કોઈ ઈજા થઈ નહીં પણ ટેરેરીસ્ટ કયાં છે તેનો અંદાજ આવી ગયો હવે તેમને કોર્ડન કરવાના હતા પોલીસ ઈન્સપેકટર વી આર ટોળીયાને તેમના સ્ટાફ સાથે ટેરેરીસ્ટ જે મકાનમાં હતા તેને કોર્ડન કરવાનું કામ સોંપ્યુ હતું ટોળીની સાથે ટીમમાં પીએસઆઈ ડી પી ચુડાસમા અને ચેતક કમાન્ડોની ટીમ હતી, તમામ જવાનો અને અધિકારીઓ એકબીજાને કવર આપી આગળ વધી રહ્યા હતા જો કે તેઓ એક ભુલ કરી રહ્યા હતા તેનો તેમને અંદાજ ન્હોતો.

કોર્ડન કરવા જઈ રહેલી ટીમ ટેરેરીસ્ટની ફાયરિંગ રેંજમાં હતી, અને તેવુ જ થયુ અચાનક ટેરેરીસ્ટે બહાર આવી ટીમ ઉપર ફાયરિંગ શરૂ કર્યુ જેમાં પીઆઈ ટોળીયાની પાછળ ચાલી રહેલા કમાન્ડો અલ્લારખાને ગોળી વાગી અને તે ત્યાં જ ઢેર થઈ ગયો અને એક ગોળી પીએસઆઈ ડી પી ચુડાસમાને વાગી તે પણ જમીન ઉપર ફસડાઈ પડયા, ગોળીબાર થતાં સ્વબચાવમાં આખી ટીમને પાછા ફરવુ પડયુ હવે પોલીસ જવાનોના મોત થવા લાગ્યા હતા ટેરેરીસ્ટ ફાયરિંગ કરવાની સાથે પોલીસ ઉપર હેન્ડગ્રેનેડ ફેંકી રહ્યા હતા, જેમાં ગાંધીનગરના ઈન્ચાર્જ ડીએસપી આર બી બ્રહ્મભટ્ટ પણ ઘવાયા હતા જો કે તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ પાછા અક્ષરધામ આવી ગયા હતા, ડી પી ચુડાસમા જમીન ઉપર પડી કણસી રહ્યા  તેવુ એક ચેતક કમાન્ડોના પીએસઆઈના ધ્યાનમાં આવતા તેણે બુમ મારી હમારા કોઈ ઓફિસર વહા ગીરા હૈ, તરત કમાન્ડો દોડયા અને ઘવાયેલા ચુડાસમાને ઉંચકી લાવ્યા.

ગૃહ વિભાગના અધિકારીઓ સતત સીએમ ઓફિસને જાણ કરી રહ્યા હતા અને તેઓ કેન્દ્ર સરકારને જાણ કરતા હતા, કેન્દ્ર સરકારે ગંભીરતા સમજી લીધી અને તેમણે દિલ્હીથી નેશનલ સીકયુરીટી ગાર્ડને ગાંધીનગર મોકલવાનો નિર્ણય કર્યો કારણ એનએસજીને આ પ્રકારના ઓપરેશન પાર પાડવાની ખાસ તાલીમ મળેલી હોય છે. પોલીસને ઓપરેશન રોકી દેવાનો આદેશ મળ્યો પણ જયાં સુધી એનએસજી પહોંચે નહીં ત્યાં સુધી ઘેરાબંધી ચાલુ રાખવાનો આદેશ મળ્યો, કેન્દ્રના આદેશના પગલે સેન્ટ્રલ રીર્ઝવ પોલીસ ફોર્સ અને બીએસએફ પણ અક્ષરધામ આવી પહો્ચ્યો તેમણે ઈનર સર્કલની સુરક્ષા સંભાળી લીધી , હવે સ્થિતિ બગડી શકે તેમ નથી અક્ષરધામને ફરતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, એક ખાસ વિમાન દ્વારા એનએસજીના કમાન્ડોને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા, રાતના દસ વાગે એનએસજી અક્ષરધામ પહોંચી ગયુ

એનએસજીના કમાન્ડન્ટ સિતાપતિ હતા, તેમણે ગાંધીનગર પોલીસના અધિકારીઓ સાથે મળી ઘટના કઈ રીતે બની તેની જાણકારી મેળવી, પણ મંદિર પરિસરમાં દાખલ થતાં પહેલા અક્ષરધામની ભુગોળ સમજવી જરૂરી હતી કારણ એનએસજીને મંદિરની ભુગોળની ખબર ન્હોતી, એનએસજી દ્વારા મંદિરના મહંત પાસે મંદિરના નકશા મંગવામાં આવ્યા, જો કે આ દરમિયાન મંદિરના મહંતે એક ભુલ કરી જે તરફ ટેરેરીસ્ટ હતા તે તરફનો દરવાજો ખોલ્યો તેની સાથે્ ટેરેરીસ્ટે નિશાન લીધુ અને મહંતને ગોળી વિધી નિકળી ગઈ આમ એનએસજીના ઓપરેશન પહેલા વધુ એક મોત થયુ, એનએસજી દ્વારા રાતના અગીયાર વાગે ઓપરેશન સ્ટાર્ટ કર્યુુ બંન્ને ટેરેરીસ્ટને ટ્રેક કરી તેમને ઠાર મારવાના હતા, કમાન્ડો એકબીજાને કવર કરતા કરતા એક એક જગ્યા તપાસી રહ્યા હતા, જે ભુલ ગાંધીનગર પોલીસે કરી તેવી જ ભુલ એનએસજીએ પણ કરી તેમને અંદાજ હતો કે ટેરેરીસ્ટ ઉપરના માળે છતાં તેઓ તેમની ફાયરિંગ રેંજમાં આવી ગયા અને ટેરેરીસ્ટ બસ્ટ ફાયર કરવા લાગ્યા જેમાં એક એનએસજી કમાન્ડો તો ત્યાં જ ઢળી પડયો અને સૃજનસિંહ ભંડારી નામનો કમાન્ડો ગંભીર રીતે ઘવાયો હતો,

આમ એનએસજીના બે જવાનો ઓછા થઈ ગયા હતા, આમ છતાં બાકીના કમાન્ડોએ પોતાનું કામ ચાલુ રાખવાનું હતું ટેરેરીસ્ટ અને કમાન્ડો વચ્ચે આખી રાત ફાયરિંગ ચાલતુ રહ્યુ સવારે પાંચ વાગે કમાન્ડો ટેરેરીસ્ટની એકદમ નજીક પહોંચી ગયા અને ટેરેરીસ્ટને ઠાર માર્યા હતા આમ ઓપરેશન અક્ષરધામ પુરા 12 કલાક ચાલ્યુ હતું જેમાં મંદિરમાં દર્શને અર્થે આવેલા લોકો સહિત પોલીસ જવાનો અને એનએસજી કમાન્ડો સહિત 35 લોકો માર્યા ગયા હતા, 2002ના કોમી તોફાન પછી ગુજરાત ઉપર થયેલા આ પહેલી ત્રાસવાદી હુમલો હતો કદાચ ગુજરાત પોલીસ ત્યારે આ સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ ન્હોતી.

ઘટના-1

ભાજપના ધારાસભ્ય લોહીમાં લથબથ સ્થિતિમાં રીવોલ્વર સાથે દોડતા હતા,

અક્ષરધામ ઉપર હુમલો થયો ત્યારે પોલીસ સહિત અને નાના મોટા લોકોએ પોતાની હેસીયત પ્રમાણે હિમંત બતાડી સ્થિતિનો સામનો કર્યો હતો, ત્રાસવાદી હુમલો થયો તે જ વખતે ત્યાંથી ભાજપના ધારાસભ્ય હિરા સોંલકી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, કોઈ તેમને હુમલો થયાની જાણ કરતા તેઓ તરત પહોંચી ગયા હતા ત્યારે પોલીસ પણ ત્યાં પહોંચી ન્હોતી, તેમણે ત્યાં જોયુ તો અનેક લોકો ઘવાયેલા હતા અને અનેક મૃત્યુ પામ્યા હતા, ઈજાગ્રસ્તોની મદદે આવનાર ઉપર પણ ત્રાસવાદી હુમલો કરી શકે તેમ હતા, હિરા સોંલકીએ સમય બગાડયા વગર પોતાની લાઈસન્સવાળી રીવોલ્વર કાઢી અને તે અક્ષરધામની અંદર દોડી ગયા, અને તેમણે ત્રાસવાદી ઉપર ગોળી ચલાવી હતી, જો કે તેમની અગ્રતા લોકોને બચાવવાની હતી તેઓ હોલમાં પડેલા ઈજાગ્રસ્તોને ઉચકી બહાર લઈ આવવા લાગ્યા જેના કારણે તેમના કપડા પણ લોહીમાં લથબથ થઈ ગયા હતા, આમ પોલીસ આવે અને મદદ મળે તે પહેલા તેમણે ખરેખર હિમંત દાખવી અનેક લોકોના જીવ બચાવ્યા હતા,

ઘટના-2

કેમેરાની લાઈટ ઓપરેશનમાં ધાતક સાબીત થઈ શકે તેમ હતી.

અક્ષરધામ ઉપર હુમલો થયાના સમાચાર મળતા ગુજરાતના પત્રકારો ત્યાં દોડી આવ્યા હતા તેની સાથે ટેલીવીઝન ચેનલ પણ લાઈવ ટેલીકાસ્ટ કરવા ઓબી વાન સાથે ઉમટી પડી હતી એક તરફ પોલીસ ઓપરેશનને અંજામ આપી રહી હતી ત્યારે પત્રકારો પોતાની સ્ટોરીમાં પડી ગયા હતા ખાસ કરી ટેલીવીઝન ચેનલો પોલીસ અધિકારીઓ અને ભોગ બનનારના ઈન્ટરવ્યુ કરી રહી હતી આમ સાંજનો સમય થયો અને રાત થઈ ગઈ જેના કારણે ટેનલવાળા કેમેરાની લાઈટનો ઉપયોગ કરી રહ્યા હતા, ટેરેરીસ્ટને જગ્યાનો અંદાજ આવે નહીં તે માટે પોલીસ દ્વારા પોતે જયાં ઉભા હતા તે સ્થળની લાઈટો બંધ કરી દીધી હતી, પણ પોલીસ અધિકારીઓને મોડે ખબર પડી કે તેમની પાછળ રહેલા ટેલીવીઝનના કેમેરાની લાઈટોને આધારે ટેરેરીસ્ટ તેમને નિશાન બનાવી શકે છે જેના કારણે પોલીસ દ્વારા કેમેરામેનને તાકીદ કરવામાં આવી હતી કે તેઓ ઈન્ટરવ્યુ વખતે જરા સરખી લાઈટનો ઉપયોગ કરે નહીં કારણ આ લાઈટનો પ્રકાશ પત્રકારો અને પોલીસ માટે ધાતક થઈ શકતો હતો

ઘટના 3

એનએસજી કમાન્ડો કોમામાં જતો રહ્યો

ઓપરેશન અક્ષરધામમાં એનએસજીએ પહેલા એક કમાન્ડો ગુમાવ્યો હતો જયારે બીજો કમાન્ડો સૃજનસિંહ ભંડારી ગંભીર રીતે ઘવાયો હતો, તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જો કે તેની સ્થિતિને ધ્યાનમાં લેતા કરતા ખાસ વિમાન દ્વારા કમાન્ડો સૃજનસિંહને દિલ્હી એઈમ્સમાં લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જયાં તે સારવાર દરમિયાન કોમામાં સરી પડયો હતો આવી સ્થિતિમાં કમાન્ડો સૃજનસિંહે મહિનાઓ પસાર કર્યા પણ કમનસીબે તે કોમામાંથી બહાર આવ્યો જ નહીં અને તેનુ મોત નિપજયુ હતું

ઘટના-4

અક્ષરધામ હુમલાનો પ્લાન કરનાર યાસીન 17 વર્ષે પકડાયો

2002ના તોફાન પછી બદલો લેવા માટે લશ્કર-એ-તોઈબા દ્વારા ગુજરાત ઉપર ત્રાસવાદી હુમલો કરવાની યોજના બનાવી હતી આ ઘટનાને અંજામ આપવાની જવાબદારી કાશ્મીરના યાસીન ભાટને સોંપવામાં આવી હતી યાસીન આ પ્લાન પ્રમાણે કાશ્મીર પાસીંગની એમેબ્સેડર કારમાં ખાસ ખાના તૈયાર કરાવી તેમાં એ કે 47 રાયફલો અને હેન્ડગ્રેનેડ ગોઠવી કાર ઉત્તર પ્રદેશના બરેલી મોકલી હતી  જયાં તેણે ત્રાસવાદીઓની ચાંદખાન સાથે મુલાકાત કરાવી હતી ત્યાર બાદ ચાંદખાને ત્રાસવાદીઓને ઉત્તર પ્રદેશની ટ્રેન મારફતે અમદાવાદ હથિયારો સાથે મોકલી આપ્યા હતા, 2003માં ગુજરાત એટીએસ દ્વરા ચાંદખાનને પકડી લેવામાં આવ્યો હતો ત્યારે ચાંદખાને એટીએસને માહિતી આપી કે જે તે યાસીન ભાટનું નામ જાહેર કરશે તો તેની હત્યા થઈ જશે આમ પહેલી વખત આખી ઘટના પાછળ યાસીન ભાટને જેવી જાણકારી મળી હતી જો કે યાસીનને અંદાજ આવી જતા તે કાશ્મીર છોડી પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર તરફ ભાગી ગયો હતો. આ દરમિયાન તાજેતરમાં ગુજરાત એટીએસને જાણકારી મળી હતી કે યાસીન ભાટ કાશ્મીરના અનંતનાગ આવ્યો છે જેના આધારે તેમણે કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ એજન્સી સાથે મળી યાસીનને અનંતનાગથી ઝડપી લીધો હતો.

ઘટના-5

જેમણે જીવની બાજી લગાડી સરકાર તેમની કદર કરવાનું ભુલી ગઈ

અક્ષરધામ હુમલા વખતે જીવ સટોસટ કામગીરી ચેતક કમાન્ડોએ કરી હતી આ કમાન્ડોની પસંદગી સ્ટેટ રીર્ઝવ પોલીસ ફોર્સમાંથી થાય છે. ટેરેરીસ્ટની અત્યંત નજીક પહોંચી ગયેલા અનેક ચેતક કમાન્ડોનો  ગોળી વાગી હતી, આ પૈકી એક એક ઈન્સપેકટર અને બે જવાનોના શરીરમાં આજે પણ ટેરેરીસ્ટોની ગોળી છે, આ અધિકારી અને જવાન શરિરમાં ઘુસી ગયેલી ગોળી બહાર કાઢવામાં આવે તો તેમના જીવને જોખમ હોવાને કારણે આજે પણ તેમના શરીરમાં તે ગોળી છે. પણ જયારે એવોર્ડ આપવાની વાત આવી ત્યારે સરકાર અને સિનિયર આ બહાદુરોની ભુલી ગયા હતા, થોડા વર્ષો પુર્વે એસઆરપીમાં આઈપીએસ અધિકારી આર જે સવાણી આવ્યા ત્યારે તેમણે વ્યકિતગત રીતે તેમનું સન્માન કર્યુ હતું આ જ પ્રકારે ગાંધીનગરના પીએસઆઈ ડી પી ચુડાસમાને ગોળી વાગી અને મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા છતાં તેમની બહાદુરી માટે તેમનું નામ કોઈ એવોર્ડ માટે મોકલવામાં આવ્યુ ન્હોતું.