પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): થોડા દિવસ પહેલા અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સેપકટર નવજીવન ટ્રસ્ટ ખાતે આવ્યા, પુરા પોલીસ યુનિફોર્મમાં હતા, છ ફુટ ઉંચાઈ, કમરમાં સરકારી પીસ્તોલ તેમનો પોલીસ અધિકારી તરીકેનો રૂઆબ વધારતી હતી, તેઓ નવજીવન ટ્રસ્ટથી સંપુર્ણપણે અજાણ હતા, તેમણે મને નવજીવન ટ્રસ્ટ વિશે પુછયુ એટલે ગાંધીજી દ્વારા 1919માં શરૂ કરવામાં આવેલા નવજીવન ટ્રસ્ટની આછી પાતળી જાણકારી આપી, તેમને નવજીવન બતાડયુ, થોડી વાર પછી તે કાચના કબાટની અંદર રહેલા પુસ્તકો તરફ જોઈ રહ્યા , ઘણા પુસ્તકોના નામ તેમણે વાંચ્યા, પછી મને પુછયુ કે આ પુસ્તકમાંથી હું કઈ ખરીદવા માગુ તો ખરીદી શકૂ,? મેં કહ્યુ ચોક્કસ તમારે કયુ પુસ્તક ખરીદવુ છે? તેમને મને કહ્યુ મારે ગાંધીના સત્યના પ્રયોગો જોઈએ છીએ, મને સુખદ આશ્ચર્ય થયુ કે કોઈ યુવાન પોલીસ અધિકારી તમારી પાસે ગાંધીની આત્મકથા લેવા આવે, મેં તેમને કહ્યુ તમને આત્મકથા તો મળશે પણ નવજીવન તરફથી ભેટ સ્વરૂપે આપીશ તમારે કોઈ કિમંત ચુકવવાની નથી, મેં તરત તેમના હાથમાં આત્મકથા લાવી મુકી.

તેમણે હાથમાં ગાંધીની આત્મકથા લેતા જાણે તેમના શરિરમાંથી કોઈ રોમાંચ પસાર થયો હોય તેવુ હું તેમના ચહેરા ઉપર જોઈ શકતો હતો, તેમણે એક ક્ષણ વિચાર કર્યો અને કહ્યુ મારી એક વિનંતી છે કે ગાંધીની આત્મકથા મફત લેવી સારી બાબત નથી, તમે મારી પાસેથી તેની કિમંત લઈ લો, મેં પૈસા લેવાની ના પાડી તે સતત મને વિનંતી કરતા રહ્યા, તેમણે મને કહ્યુ આત્મકથાની કિમંત સ્વરૂપે નહીં તો મારા તરફથી નાનકડી ભેટ સમજી તે લઈ લો ,, મેં તેમની જાણકારીમાં વધારો કરતા કહ્યુ ગાંધીજી 1940માં પોતાનું વસીયત કરતા ગયા જેમાં લખ્યુ છે કે નવજીવન ટ્રસ્ટ દાન અને અનુદાન લેશે નહીં, એટલે અમે ભેટ લઈ શકતા નથી, આ સાંભળી આ પોલીસ અધિકારીને વધુ આશ્ચર્ય થયુ તેમણે મને તો પણ નવજીવન ચાલે છે કેવી રીતે મેં કહ્યુ ગાંધીજીની વસીયત પ્રમાણે તેમણે જે કઈ લખ્યુ છે તેનો અધિકાર તે નવજીવનને આપતા ગયા અને ગાંધી સાહિત્યના વેચાણમાંથી જે કઈ મળે તેનાથી છેલ્લા 100 વર્ષથી નવજીવન ચાલે છે.

પોલીસ અધિકારી મારી સામે જોતા રહ્યા તેમણે ખીસ્સામાં હાથ નાખી એક હજાર રૂપિયા બહાર કાઢયા અને મને કહ્યુ મને એક હજાર રૂપિયા જેટલી આત્મકથા આવે તે આપો, મેં તેમને એક હજાર રૂપિયાનું બીલ આપ્યુ તેમણે કહ્યુ મારે માટે એક આત્મકથા બસ છે, બાકીની આત્મકથા તમે બીજા લોકોને આપજો, મને આ યુવાન પોલીસ અધિકારીને મળી લાગ્યુુ કે ગુજરાતે ગાંધીને ઓળખવામાં અને ગાંધી ભણાવવામાં ભલે મોડુ કર્યુ પણ ગાંધી આટલો જલદી ભુલાય તેમ નથી, આ ખાખીધારી યુવાન પોલીસ અધિકારીને ગાંધી અને ગાંધીની ખાદી સાથે કોઈ નિસ્બત ન્હોતી, છતાં તેની અંદર રહેલો ગાંધી તેની સારપને બહાર લાવી રહ્યો હતો, આપણે હમણાં ગાંધીની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ દેશભરમાં ગાંધીની જયંતિના નામે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે, પણ ખાસ કરી ગુજરાતમાં ગાંધી એક સરકારી કાર્યક્રમ બની રહી ગયા છે, ગાંધી સાહિત્યનું પ્રસિધ્ધ કરવાનું કામ કરતા નવજીવન પાસે વિવિધ રાજય સરકારો  દરેક વર્ષે ગાંધીની આત્મકથા સહિત વિવિધ સાહિત્ય ખરીદી પોતાના  રાજયના વિધ્યાર્થીઓને આપે છે,

પરંતુ 1960માં મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયા બાદ ગુજરાત સરકારે આત્મકથાની એક પણ પ્રત ખરીદી હોય તેવુ બન્યુ નથી હું જયારે 1960થી વાત કરૂ છુ તેમાં કોંગ્રેસ અને ભાજપ સહિત જેટલી પણ સરકારો અસ્તીત્વમાં આવી તે તમામની વાત કરૂ છુ એક પણ પક્ષની સરકારે ગુજરાતના બાળકો આત્મકથા વાંચે અને ગાંધીને સમજે તેવો કોઈ પ્રયાસ કર્યા નથી તેના કરતા સાવ વિપરીત જયાં સામ્યવાદનો દબદબો કહ્યો તેવા કેરળમાં સૌથી વધુ મલયાલમ ભાષામાં ગાંધીની અત્મકથા વેચાઈ અને સમજાઈ છે.,  અહિયા દોષ માત્ર ગુજરાત સરકારનો જ છે તેવુ પણ નથી ગુજરાતની ગાંધી સંસ્થાઓ પણ તેના માટે એટલી જ જવબદાર છે ગાંધી સંસ્થાઓના કર્તાહર્તા પોતાની સંસ્થામાં બેસી રહ્યા તેમણે માની લીધુ કે કોઈને ગાંધી સમજવો છે તો આપણી પાસે આવશે, પણ ગાંધી કોઈ સંસ્થાનો ન્હોતો, ગાંધીનો વિશ્વ માનવ છે તેને વાંચવા કરતા તેને જીવવો પડે તો જ ગાંધી સમજાય, પણ ગાંધી સંસ્થાઓ પણ પોતાના વ્યકિતગત રાજકારણમાં અટવાઈ ગઈ અને ગાંધી ભુલાતો ગયો.

આવી સ્થિતિમાં પણ ગાંધીને ભુલવો અથવા ગાંધીને સામાન્યથી દુર કરવો સહેલો નથી કારણ હું જે યુવાન પોલીસ અધિકારીને મળ્યો અને મે તેની અંદર રહેલા ગાંધીને જોયો ત્યારે મને  કાકાસાહેબ કાલેલકરે ગાંધીજી મીટે કહેલુ  વાકય યાદ આવ્યુ કે ગાંધીજી સામેની વ્યકિતમાં રહેલી સારપને ઓળખી શકતા હતા અને તેની સારપને જગાડી શકતા હતા, આવી સારપ દરેક નાની મોટી વ્યકિતમાં છે, કોણ શુ કરે છે અને કેવો છે તેની પળોજળમાં પડયા કરતા તેની અંદરની સારપને બહાર લાવવાનું કામ કરીએ તો પણ તે ગાંધીનું જ કામ કરે છે, કોઈ વ્યકિત રેસ્ટોરન્ટમાં વધેલુ જમવાનું ગરીબો સુધી પહોંચાડે છે, કોઈ ગરીબ બાળકોને ભણાવે છે, કોઈ વૃધ્ધનો હાથ પકડી તેને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે તો કોઈ પોલીસ પાણીમાં ફસાયેલા બાળકોની મદદે પહોંચે તો તો મારા મતે આ બધા જ ગાંધી છે, ગાંધી આજે પણ આપણામાં જીવે છે આવતીકાલે પણ જીવશે તમે જયારે બીજાને મદદ કરતી વ્યકિતને જુવો ત્યારે તેને સલામ કરજો કારણ તેની અંદર પણ એક ગાંધી છે.