મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત રાજ્યનાં પાટનગરમાં હવે મહિલા ચોર ટોળકી સક્રિય થઈ છે. જેમાં એક મહિલા ચોરી કરતી હોવાના પુરાવા તથા વીડિયો મળ્યા છે. આ મહિલા ગેંગ દુકાનોમાં આવીને ચોરી કરી જાય છે. તેમાં ગાંધીનગરમાં મોડી રાત્રે સોલાર લાઇટની બેટરીની ચોરી કરતી મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે.

એક મહિલા બિન્દાસ્તપણે ગુજરાતના પાટનગરમાં ચોરી કરી રહી છે. સેક્ટર-૨૨માં પંચદેવ મંદિર નજીક એક મેડિકલ સ્ટોર પાસે સોલાર લાઈટનો થાંભલો લગાવવામાં આવ્યો છે. ત્યારે એક મહિલા ચોરે દબાતા પગે આવીને 15 ફૂટના થાંભલા પર લગાવેલી બેટરીની ચોરી હતી. મહિલા થાંભલા પર ચઢી હતી અને બેટરી કાઢીને સાઈકલ પર સવાર થઈને ફરાર થઈ હતી. મહિલાની આ હરકત ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, સોલાર લાઈટની બેટરી ચોરીની ફરિયાદ કરવામાં કોર્પોરેશનનું તંત્ર ઉદાસીન દેખાયું છે. અગાઉ પણ અનેક સોલરના થાંભલાની લાઈટ ચોરાઈ હોવાની ઘટના સામે આવી હતી. પાટનગરમાં પોલીસના સઘન નાઈટ પેટ્રોલિંગની વાતો વચ્ચે મહિલા બિન્દાસ્ત ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ છે. જાકે આ અંગે હજુ પણ સેક્ટર-૨૧ પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી.