મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ બોલીવુડની ફિલ્મ ટોઈલેટ એક પ્રેમ કથા ફિલ્મ એક સત્ય ઘટના પર બની છે. જોકે આવી માત્ર એક ઘટના નથી. દેશભરમાં આવી ઘણી ઘટનાઓ છે જેમાં ટોઈલેટ ન બનાવવાને કારણે એક લગ્નજીવન પર સંકટ આવી પડ્યું હોય. આવો જ એક કિસ્સો ગુજરાતમાં પણ સામે આવ્યો છે. એક પરિણિતાએ લગ્ન પહેલા જ ટોઈલેટ બનાવવાની શરત મુકી હતી પરંતુ તે શરત પ્રમાણે ટોઈલેટ ન બનાવાતા ઘરમાં લાંબા સમય સુધી કકરાટ થયો અને આખરે પરિણિતાએ સાસરિયું છોડી દઈ કોર્ટમાં ન્યાય માગ્યો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે, મહેસાણાના મેઉ ગામના નરેન્દ્ર ચૌધરી સાથે ઉષા ચૌધરીના લગ્ન ગત 6 જૂન, 2013ના રોજ થયા. જે તે સમયે સગાઈ દરમિયાન જ ઉષાએ પતિ નરેન્દ્ર સામે ઘરમાં ટોઈલેટની સુવિધા માટે શરત મુકી હતી. જે તે વખતે નરેન્દ્રએ તૈયારી પણ બતાવી હતી. પરંતુ આપણે ત્યાં લગ્ન પછી જ બધા પત્તા ખુલે તેમ લગ્ન કરીને ઉષા જ્યારે સાસરિયે ગઈ ત્યારે પણ ત્યાં ટોઈલેટ બનાવાયું ન હતું. આખરે ઘરમાં ટોઈલેટ બનાવવાને લઈને રોજીંદો કકરાટ શરૂ થયો. નાના મોટા ઝઘડાઓ ચાલ્યા કરતાં હતા પણ સાસરિયા એકના બે ન થયા જેથી ઉષાએ પતિનું ઘર છોડી પોતાના પિયર રહેવા આવવાનો નિર્ણય કર્યો.

પોતાના માતા-પિતાના ઘરે તેણે સધડી બાબત પરિવારજનોને કરી હતી. તેણે કોર્ટનો દ્વાર ખટખટાવવાનું નક્કી કર્યું. તેનું કહેવું હતું કે આ તો ઠીક પણ તેને લગ્ન પછી કામ કરવા પર પણ પ્રતિબંધો મુકાયા હતા. બધી બાબતમાં તેને થઈ રહેલી હેરાનગતિથી કંટાળી તેણે લાંઘણજ પોલીસ સ્ટેશને સાસરિયાઓ સામે દહેજની માગણીનો કેસ કર્યો. ઉષા બાદમાં ગાંધીનગરમાં ભાડે રહેવા લાગી. તેણે કોર્ટમાં પતિ પાસે મહિનાના રૂ. 10,000 વળતર પેટે માગ્યા હતા. સામે પતિએ તેની આ બધી વાતો નકારી ફરિયાદ એવ કરી કે તેણી વૈભવી લાઈફસ્ટાઈલથી રહેવા માગે છે તેથી તેને સાસરિયે રહેવું નથી. આખરે ગાંધીનગર કોર્ટે બંને પક્ષોની વાત સાંભળી નિર્ણય કર્યો કે, પતિએ પત્ને દર મહિને રૂ. 6,000નું વળતર આપવું પડશે.