મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગાંધીનગરમાં એક અધિકારીના દિકરાને તેની જ સ્કૂલમાં ભણાવતી ટીચર ભગાડી ગઈ હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. શિક્ષિકાની ઉંમર 26 વર્ષની છે અને વિદ્યાર્થી 14 વર્ષનો છે. ગાંધીનગરના ઉદ્યોગ ભવનમાં કામ કરતાં આ અધિકારીએ આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ કરી છે. જેમાં તેમણે શુક્રવાર સાંજથી તેમનો પુત્ર ગુમ હોવાની અને શીક્ષીકાની તપાસ કરતાં તે પણ ઘરે ન હોવાની બાબત ઉલ્લેખી છે.

તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે શિક્ષિકા તેમના પુત્રને લાલચ આપીને ભગાડી ગઈ છે. તેમણે આ અંગે ગાંધીનગરના કલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અધિકારીનું જણાવવું છે કે, 17 જાન્યુઆરી સાંજે 7 વાગ્યે હું નોકરી પરથી ઘરે આવ્યો હતો. તે સમયે તેમનો પુત્ર ઘરે હાજર ન હતો. પત્નીને પુછતા તેણે જણાવ્યું કે તેમને પુત્ર સાંજના 4 વાગ્યથી ઘરેથી કોઈને કહ્યાં વગર નીકળી ગયો છે. જેથી અમે તેની શોધખોળ શરૂ કરી હતી. જેથી એવી બાબત જાણવા મળી કે, સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાના તેમના પુત્ર સાથે પ્રેમ સંબંધ હોવાથી ભાગી ગયા છે. પોલીસનું કહેવું છે કે, છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચે કથિતરુપે પ્રેમ સંબંધ હોવાની વાત સામે આવ્યા બાદ હાલમાં જ સ્કૂલ ઓથોરિટી દ્વારા પણ તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. તેમનો આ સંબંધ સામાજિક દ્રષ્ટીએ અનૈતિક હોવાના કારણે બંને શુક્રવારે ઘર છોડીને ભાગી ગયા છે. ગુમ થયેલા શિક્ષિકા અને વિદ્યાર્થી સાથે મોબાઇલ ફોન ન લઈ ગયા હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે.