મિલન ઠક્કર (મેરાન્યૂઝ ગાંધીનગર): છેલ્લા બે દિવસથી બિનસચિવાલયની પરિક્ષા રદ કરાવવા સારુ ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. જેમાં અનેક વાલીઓ પણ જોડાયાં છે, પણ ભૂખ અમીર અને ગરીબ બન્નેને સરખી હોય છે. પછી એ રોટલીની હોય કે ન્યાયની. આવા જ એક કડિયાકામ કરતાં મજૂર વાલીની વેદના સાંભળો એમનાં જ મુખે. (વીડિયો અંતમાં દર્શાવ્યો છે.)

આજે બે દિવસ પછી પણ સરકાર તરફથી સંતોષકારક જવાબ ન મળતાં વિદ્યાર્થીઓ હજુ પણ આંદોલન ચલાવી રહ્યાં છે. ત્યારે સ્થળ ઉપર વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાઈ ગયાં છે.

મેરાન્યૂઝ સાથે ખાસ કરેલી વાતચીતમાં વિરમગામના મેલાભાઈ જણાવે છે કે, હું કડિયાકામ કરું છું અને મારે ૩ દિકરી અને સૌથી નાનો દિકરો છે જે ધો-૧૨માં અભ્યાસ કરે છે. મારી બે દીકરીઓએ બિનસચિવાલયની પરિક્ષા ખૂબ જ મહેનત કરીને આપી હતી અને મેં દેવું કરીને, પેટે પાટા બાંધીને એને ભણાવી છે. એમને કદાચ નોકરી નહીં મળે તો ચાલે પણ આ લોકશાહી દેશમાં અન્યાય તો ન જ થવો જોઇએ. આજે ગુજરાતભરમાંથી અનેક લોકો આ વિદ્યાર્થીઓની સાથે જોડાયા છે પણ સરકારમાંથી કોઈ જ અહીં આવ્યું નથી. જો કોઈ નેતા કે પ્રખ્યાત વ્યક્તિ ગુજરી જાય ત્યારે બધાં જ નેતાઓ ભેગા થાય છે. તો આ વિદ્યાર્થીઓની વાત સાંભળવાં કેમ કોઈ આવતું નથી?

આંદોલનમાં જોડાયેલાં વિદ્યાર્થીઓનું એમ પણ કહેવું છે કે, જો રાત્રે નોટબંધી જેવો નિર્ણય લઈ શકાતો હોય. તો અમારાં પ્રશ્નનો નિકાલ કેમ ના લાવી શકાય? નામદાર સુપ્રિમ કોર્ટ ન્યાય માટે રાત્રે પણ ચાલું રહી શકતી હોય તો, અમને ન્યાય આપવાં માટે સરકાર કેમ અહીં ના આવી શકે?