મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાતની કૃષિ  યુનિવર્સિટી અને કામધેનું યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થયેલા ૪૦ જેટલા વિદ્યાર્થીઓના મંડળે આજે ગાંધીનગર જીલ્લા પોલીસ અધિક્ષકને પરપ્રાંતિય યુનિવર્સિટીના બોગસ સર્ટિફિકેટ સાથે સરકારમાં નોકરી કરનાર લોકો સામે કાર્યવાહી કરવા પુરાવાઓ સહીત આવેદનપત્ર આપ્યું છે. આજે પશુપાલક નિયામકને પણ આ વિષયે આ યુનીવર્સીટીના છાત્રો દ્વારા વર્ષ ૨૦૦૬ અને ૨૦૧૪ની ભરતીમાં સિલેક્ટ થયેલા પશુધન નિરીક્ષક વર્ગ-૩ બાબતે ખોટા ઉમેદવારોની તપાસ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેથી આવતીકાલે શરુ થતાં વેરિફિકેશનમાં આવા ઉમેદવારો સામે કાર્યવાહી થાય.

આજે ગાંધીનગરના જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની પાસ આઉટ વિદ્યાર્થીઓની એક ટીમ પશુધન નિરીક્ષકની ભરતીમાં બોગસ સર્ટીફીકેટના સહારે ખોટી રીતે ભરતી થયેલા ઉમેદવારોની તપાસ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગાંધીનગર જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચી હતી. આ આવેદનપત્રમાં તેમણે તમિલનાડુ અને રાજસ્થાનમાંની માન્યતા ન ધરાવતી યુનીવર્સીટીઓના સહારે ખોટી રીતે ભરતી થેયલા ઉમેદવારો સામે તપાસ કરવા માટે અને કાયદાકીય કાર્યવાહી કરવા નામ જોગ સંપૂર્ણ માહિતી અને પુરાવા સાથે પશુ નિયામક અને ગાંધીનગર જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું છે.

ભાવિનભાઈ પટેલે જણાવ્યું કે, હું દાંતીવાડા એગ્રીકલ્ચર યુનીવર્સીટીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરું છું. આ આવેદનપત્ર આપવાની જરૂર પડી છે કે આવતી કાલે અમારું પશુધન નિરીક્ષકની વર્ગ-૩નું વેરિફિકેશન છે જેમાં બહારના રાજ્યોના શિક્ષણ માફિયા જોડે ડમી ડીગ્રી અને સર્ટીફીકેટ બનાવી લોકો પરીક્ષા પાસ થયેલા છે જેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવા જેથી અમે આજે પશુ નિયામક અને ગાંધીનગર જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું છે.