મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગાંધીનગર તાલુકાના રાંધેજા ગામમાં ૧૫,૦૦૦ જેટલી વસ્તી છે અને ગામમાં ૨૨ કિમી જેટલા રસ્તાઓ આવેલા છે. જેમાંથી હાલ માત્ર ૩ કિમી જેટલા જ રસ્તા સિમેન્ટ કોન્ક્રીટ રોડ છે બાકી રસ્તા ધૂળ અને ડમરીવાળા છે.

આ ગામના રહેવાસી તેજમલભાઇ રબારીએ મેરાન્યૂઝના સંવાદદાતાને જણાવ્યું કે રુર્બન યોજનામાં આ ગામની પસંદગી કરવામાં આવી હતી જેમાં ૩૩ કરોડના વિકાસના કામો આ ગામ માટે કરવાના હતા. જેમાંથી માત્ર ગટર લાઈનનું જ કામ કરવામાં આવ્યું છે. ગામમાં ભૂગર્ભ ગટર ૨૦ ફૂટ ઊંડી નાખવામાં આવી છે, જેમાં ગ્રામજનોએ ૧૩ લાખનું ભંડોળ આના માટે ભેગું કરીને યોજનામાં ફાળા તરીકે આપ્યું હતું. ગટરલાઈન નાખવા માટે ગામના તમામ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હતા. પરંતુ ગટરલાઈન તૈયાર થઇ ગયા બાદ તંત્ર એ વાત વિસરી ગયું કે ગટરલાઈન ઉપરના રસ્તા કે જેના પર ગામના લોકોનો રોજીંદો વ્યવહાર છે એની હાલત ખરાબ થઇ ગઈ છે.

આ કારણોથી ગામના રસ્તા ખરાબ થઇ ગયા અને ૨૦૦૭થી ગામમાં રસ્તા બનાવવાની ફાઈલ જીલ્લા પંચાયત- રૂર્બન યોજનામાં પડી છે અને ગામના લોકો ૧૦ વર્ષથી રસ્તાની રાહ જોઈ રહ્યા છે. ગામમાં હાલ માત્ર ૩ કિમીના રસ્તા છે જે ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી બનાયા છે.

ગામમાં ત્રણ જેટલી શાળાઓ છે અને શિક્ષણ સ્તર પણ મજબુત હોવા છતાં લોકો ખરાબ રસ્તા સાથે જીવી રહ્યા છે. લોકોને સૌથી વધુ સમસ્યાઓનો સામનો ચોમાસાની ઋતુમાં કરવો પડે છે. વરસાદમાં આ ખાડા અને રસ્તામાં પાણી ભરાઈ જાય છે અને ઠેર ઠેર ખાબોચિયા જેવી સ્થિતીમાંથી લોકોએ પસાર થવું પડે છે અને આના કારણે મચ્છરજન્ય રોગ થવાનો ડર રહે છે.

ગામના સરપંચ જશુભાઈ પરમારે  મેરાન્યૂઝને જણાવ્યું કે આ મુદ્દે ૨૦૦૭થી રજુઆતો કરવામાં આવી છે. પરંતુ આની ફાઈલ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને ગાંધીનગર જીલ્લા વિકાસ અધિકારીને પણ આની જાણ કરી છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી અને પરિણામે આજે ગામમાં રસ્તા અત્યંત ખરાબ સ્થિતિમાં છે.