મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ સબઈન્સપેકટર એમ બી ગઢવી અને તેમના બે પોલીસ કોનસટેબલની સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા ધરપકડ પકડડ કરવામાં આવી છે. આ ત્રણે પોલીસ કર્મચારીઓને તપાસઅર્થે ગાંધીનગર સેકટર 21 પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે.

2 એપ્રિલના રોજ સ્ટેટ મોનીટરિંગ સેલને જાણકારી મળી હતી કે શામળાજી પોલીસ દ્વારા માલપુર પાસેથી એક દારૂ ભરેલુ ટેન્કર પકડી પડાયું છે, પરંતુ તેમણે કોઈ પણ કાર્યવાહી વગર દારૂનો કેસ કર્યા વગર પોતાની પાસે તે ટેન્કર રાખ્યું છે, આ જાણકારી મળતા સેલના અધિકારીઓ ગાંધીનગરથી શામળાજી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ત્યાં જઈ તેમણે જોયું તો દારૂ ભરેલુ ટેન્કર ત્યાં હતું. આથી તેમણે પોલીસ સ્ટેશનમાં જઈ સ્ટેશન ડાયરી અને એફઆઈઆર ચેક કરતા આ સંબંધે કોઈ ગુનો નોંધાયો ન્હોતો, અને તેની એન્ટ્રી પણ ન્હોતી.

આથી સેલના અધિકારીઓએ શામળાજી પોલીસ સ્ટેશનના સબઈન્સપેકટરનો ખુલાસો માગતા તેમણે પોતાના બચાવમાં કહ્યું હતું કે, તેમણે માલપુર પાસેથી દારૂની ટેન્કર પકડી હતી, પણ તેમના વિસ્તારમાં દલિતોને લઈ એક બબાલ થતાં તેઓ કાગળો કર્યા વગર બંદોબસ્તમાં જતા રહ્યા હતા. આ મામલે સેલના અધિકારીઓ ડીજીપી ઓફિસને જાણ કરતા તપાસ શરૂ થઈ હતી, બાદમાં શામળાજી પોલીસે દારૂનો ગુનો તો નોંધ્યો હતો, પરંતુ સેલના અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું કે જે બુટલેગરની ટેન્કર હતી, તેની સાથે સબઈન્સપેકટર ગઢવી અને તેમનો સ્ટાફ ટેન્કર પકડયા બાદ ટેલીફોનીક સંપર્કમાં હતો.

આમ સબઈન્સપેકટર ગઢવી અને તેમના બે કોન્સટેબલોનો બચાવ માનવા લાયક લાગ્યો નહીં, અને તેઓ બુટલેગર સાથે કેસ કર્યા વગર બારોબાર પતાવટ કરવા માગતા હતા તેવું સ્પષ્ટ થયુ હતું. આથી આ મામલે શામળાજી પોલીસ સ્ટેશનમાં મોનીટરિંગ સેલના અધિકારીઓ પીએસઆઈ ગઢવી અને તેમની સાથેના બે કોન્સટેબલ સામે ગુનો નોંધી તેમને ગાંધીનગર લઈ આવ્યા છે. જો કે સુત્રોના જણાવ્યા પ્રમાણે શામળાજી પોલીસ દ્વારા દારૂ ભરેલુ ટેન્કર પકડવામાં આવ્યું છે તેની જાણકારી અરવલ્લીના એસપી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચને હતી અને તેમની સૂચનાથી બુટલેગર સામે ગુનો નોંધ્યો ન્હોતો, પણ હવે આ મામલે સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા ગુનો નોંધાતા તમામ ઉચ્ચ અધિકારીઓ હાથ ઊંચા કરી દીધા છે.