મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ લોકડાઉન દરમિયાન જમાતીઓનું હજારોનું ટોળું જે રીતે ભેગું થઈ ગયું હતું તે જ રીતે ભાજપના નેતાની પૌત્રીની સગાઈના ફંશનમાં ટોળા ભેગા થયા. લોકોએ હાલમાં કોરોનાની સ્થિતિને લઈને લાગેલા કરફ્યુથી, રાત્રી કરફ્યુ, સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સહિતના નિયમો તૂટે નહીં અને પ્રસંગ લેવાય તે માટે ઘણું સહન કર્યું છે. હાલમાં માંડ માંડ લોકો પોતાના સ્વજનોના શુભ અશુભ પ્રસંગો કાઢી રહ્યા છે ત્યાં જ્યારે કોઈ નેતાની રેલી, કાર્યક્રમ કે પ્રસંગ આવે ત્યાં લોકોની આવી બધી મહેનત પર નેતાઓ પાણી ફેરવી રહ્યા છે. ભાજપના સોનગઢ ડોસવાડા ગામમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઈનો પ્રસંગ લેવાયો હતો. પ્રસંગ એવો લેવાયો કે ત્યાં યજમાનોએન આમંત્રણ આપવામાં ભાન રાખ્યું કે ન મહેમાનોએ મહેમાનગતિ માણવા જવામાં ભાન રાખ્યું. કોરોના જેવું કાંઈ છે જ નહીં તેવું માની બધા મોંઢું ઉઠાવીને આવી ગયા હતા. નિયમોનો છડેચોક ભંગ જોઈ લોકો આકરાપાણીએ થયા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ આ પ્રસંગના વીડિયો વાયરલ કરી મુક્યા હતા. આખરે સરકારે નિર્ણય કર્યો અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વીડિયો અને તેના વિશ્લેષણને આધારે કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે.

વાયરલ થયેલા વીડિયો અંગે પ્રથમ વાત એવી મળી રહી હતી કે લગ્ન પ્રસંગ યોજાયો હતો જોકે કાંતિ ગામિતે તુલસી વિવાહ અને પૌત્રીની સગાઈનો કાર્યક્રમ હોવાનું કહ્યું હતું. જોકે પ્રસંગ કોઈપણ હોય ટોળા એક્ઠા કરવાથી શું ગંભીર પરિણામ આવી શકે છે તે અંગેની સભાનતા યજમાનો ભૂલી ગયા હતા. સોનગઢના ડોસવાડા ગામમાં ડીજેના તાલે યોજાયેલા આ પ્રસંગનો વીડિયો અહીં દર્શાવ્યો છે. દ્રશ્યો જોઈને લાગશે કે કોઈ પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો નવરાત્રીના ગરબા કરી રહ્યા હોય. 

આ પ્રસંગના વીડિયો જ્યારે વાયરલ થયા ત્યારે ઠેરઠેર ભાજપ પક્ષની અને સરકારની કડક કાર્યવાહીઓની થું થું થવા લાગી હતી. લોકોએ આ વીડિયો વાયરલ કરી મુકતા જવાબો તૈયાર કરવા પણ તંત્ર માટે ભારે પડવા લાગ્યા હતા. આખરે એક જવાબ તૈયાર થયો અને નક્કી થયું કે તપાસ કરીશું. ગૃહમંત્રી પ્રદીપસિંહે આ અંગે વીડિયો અને તેના વિશ્લેષણ આધારે તપાસ કરવાના તાત્કાલીક ઓર્ડર છોડ્યા.