પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ગાંધીનગર): દરેક સરકારી વિભાગની કામ કરવાની એક ઢબ હોય છે. સરકારી નોકરીમાંથી આપણને કોઈ કાઢી મુકશે નહીં તેવી સુરક્ષાને કારણે સરકારી અધિકારીઓ પરિવર્તન માટે તૈયાર હોતા નથી. આવું જ કાંઈક ગુજરાત સરકારના માહિતી ખાતાનું હતું. માહિતી ખાતાના અધિકારીઓ માનતા હતા કે, મંત્રીથી લઈ મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને પ્રેસ કોન્ફરન્સના સ્થળ સુધી લાવવા-લઈ જવા, ચા પાણી, નાસ્તો કરાવી જમાડવા, સરળ શબ્દોમાં કહીએ તો પત્રકારોને રાજી રાખવાને તેઓ નોકરી સમજતા હતા.

જોકે સમય બદલાયો તેની સાથે માહિતી ખાતાએ પણ પોતાની કામ કરવાની ઢબ અને પદ્ધતિ બદલી, માહિતી ખાતામાં થયેલા આ સૂચક પરિવર્તનની નોંધ માધ્યમો અને સરકારે હજુ સુધી લીધી નથી, પરંતુ માહિતી ખાતાએ જે પ્રકારે હવે કામ શરૂ કર્યું છે તેનો લાભ અગણિત લોકો સુધી પહોંચ્યો છે.

પત્રકારોની આગતા સ્વાગ્તા એક સહજ બાબત છે, પણ માત્ર મંત્રી અને મુખ્યમંત્રીના ભાષણોની પ્રેસનોટ સિવાય પણ પોતાના રાજ્યમાં જે કાંઈ સારુ થાય છે તે લોકો સુધી પહોંચાડવાનું હવે ખરા અર્થમાં માહિતી ખાતાએ શરૂ કર્યું છે. મંત્રી અને મુખ્યમંત્રી દ્વારા થતી જાહેરાતો લોકો સુધી પહોંચાડવાનું સિમિત કામ કરવાને બદલે માહિતી ખાતાના અધિકારીઓએ હવે રાજ્યના તબીબો, સરકારી અમલદારો, પોલીસ અધિકારીઓ વગેરે દ્વારા થતા સૂચક સારા કામની બાબતો સ્ટોરીના માધ્યમથી લોકો સામે મુકવાની શરૂઆત કરી છે.


 

 

 

 

 

માત્ર સરકારી અધિકારીઓની જ નહીં પણ કોઈક ગામમાં કોઈ સ્ત્રિ આત્મનિર્ભરતાથી પોતાનો વ્યવસાય કરે, કોઈક ખેડૂત નવી ખેતીની શરૂઆત કરે, કોઈ સામાજીક સંસ્થા લોકોને ઉપયોગી થતા કામ કરે આવી ઘણી ઘટનાઓ પણ હવે માહિતી ખાતું લોકો સામે લાવી રહ્યું છે.

માહિતી ખાતાને બરાબર સમજાયું છે કે સરકારનો અર્થ માત્ર મંત્રીઓ નહીં પણ સરકારનો અર્થ રાજ્યમાં રહેનાર તમામ લોકો છે. કોરોના કાળમાં માહિતી ખાતાએ આવી અનેક પોઝિટિવ સ્ટોરિઝની શોધ કરી. રાજ્યના કોઈ ખુણામાં જે કાંઈ સારુ ચાલી રહ્યું છે તેનો શ્રેય સરકારને આપ્યા વગર માત્ર ઉત્તમ કામગીરી કરનાર માણસને આપી તેમણે એક નવી દિશાનો પ્રવાસ શરૂ કર્યો છે.

કોરોના કાળમાં માહિતી ખાતાના અધિકારીઓ પાસે વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ ખુલ્લો હતો છતાં તેમણે પોઝિટિવ સ્ટોરિઝની શોધ માટે એક અખબાર અને ટેલિવિઝનનો પત્રકાર જેમ ફિલ્ડમાં ફરે તેમ ફરવાની શરૂઆત કરી. અનેક માહિતી ખાતાના કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના સંક્રમિત પણ થતા છતાં સાજા થઈ પાછા ફિલ્ડમાં ઉતર્યા. હાલમાં આ જ પ્રકારની સ્ટોરિઝ કરતાં માહિતી ખાતા અમદાવાદના ડેપ્યૂટી ડાયરેક્ટર હિમાંશુ ઉપાધ્યાય પણ કોરોના સંક્રમિત થયા છે. અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે.