દેવલ જાદવ (મેરાન્યૂઝ.ગાંધીનગર): સરકારી શાળાઓમાં ભણતા ગરીબ બાળકો માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન હેઠળ પોષણ મળે તે હેતુથી યોજના ચલાવવામાં આવે છે. યોજના અંતર્ગત શાળામાં ભણતા વિદ્યાર્થીઓને એક સમયનું પૌષ્ટિક ભોજન મળે તેવી વ્યવસ્થા લગભગ બધી જ સરકારી શાળાઓમાં કરવામાં આવી છે પણ ક્યાંક તંત્રની બેદરકારી અને ક્યાંક અધિકારીઓની ભ્રસ્ટાચારીમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ થઈ રહ્યા છે. આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરના એક ગામની એક શાળામાં ચોખાની સાથે પ્લાસ્ટિકના ચોખા ભેળસેળ સાથે આવ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.

ગાંધીનગરના કોલવડા ગામની એક સરકારી શાળામાં મધ્યાહન ભોજન માટે આવેલા ચોખામાં પ્લાસ્ટિકના ચોખા સાથે ભેળસેળ વાળા ચોખા આવ્યા છે. આ વાતની જાણ ગામના લોકોને થતા તેમણે અધિકારીઓ અને રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ચોખાનું નિરીક્ષણ કરીને પ્લાસ્ટિકના ચોખા અલગ કર્યા હતા.

Advertisement


 

 

 

 

 

આમ આદમી પાર્ટીના સુરતના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અને સ્થાનિક કાર્યકર્તા ડી.એમ.બૂટાણી શાળામાં પહોંચ્યા હતા. ઘનશ્યામ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારને શાળામાં ભણતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની કોઈ પણ પ્રકારની ચિંતા નથી. ભાજપની આ સરકાર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. બાળકોને જે પાલસ્ટિકના ચોખા ખવડાવવામાં આવી રહ્યા છે તે બાળકોના સ્વાસ્થય માટે હાનિકારક છે તે આ સરકારે સમજવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ અંગે તંત્રમાંથી પણ કોઈ ફૂડ એન્ડ હેલ્થ વિભાગ દ્વારા સરખી તપાસ થાય અને બાબતની ખરાઈ કરવા સાથે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે પગલા લેવાય તે જરૂરી બન્યું છે.