મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: વિવિધ સેક્ટરો અને કક્કા બારાખડી - એકડાથી સમગ્ર દેશમાં અનોખી ઓળખ ધરાવતું પાટનગર હવે આ ઓળખ ગુમાવી દેશે. રાજ્ય સરકાર દ્વારા આજે મહાનગર પાલિકાઓના જાહેર કરાયેલાં નવાં સીમાંકનમાં ગાંધીનગર મહાનગરમાં ૩ વોર્ડ સાથે ૧૨ બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. જેનાં પરિણામે આગામી વર્ષે યોજાનારી સમાન્ય ચૂંટણીમાં કુલ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો ઉપર જંગ ખેલાશે. ગાંધીનગર શહેરમાં ૧૭ ગામડાંઓનો સમાવેશ કરવામાં આવતાં હવે ગાંધીનગર મહાનગર અંદાજે ૬ લાખની વસ્તી સાથે ૧૧ વોર્ડમાં ૪૪ બેઠકો રહેશે.

ગાંધીનગર શહેરનાં ૩૦ સેક્ટરો તેમજ ૮ શહેરી ગામડાઓમાં અત્યાર સુધી ૮ વોર્ડ અને ૩૨ બેઠકો કે કોર્પોરેટર રહ્યા છે. તાજેતરમાં પેથાપુર નગરપાલિકા સહિત ૧૭ ગામડાંઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર તાલુકાનાં આ વિસ્તારોનાં સમાવેશથી ગાંધીનગર મહાનગર પાલિકાનાં વિસ્તાર, વસ્તી અને મતદારોની સંખ્યામાં વધારો થયો છે. તેનાં પગલે રાજ્ય સરકાર દ્વારા આજે ગાંધીનગર મહાનગર પાલિકા માટે નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગરમાં ૩ વોર્ડ અને ૧૨ બેઠકોમાં વધારો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ગાંધીનગર મહાનગર પાલિકામાં હવે આ નવાં જાહેરનામાથી કુલ ૧૧ વોર્ડ અને ૪૪ બેઠકો બનશે. જેનાં કારણે અત્યારનાં વોર્ડનાં વિસ્તાર, હદ અને વસ્તી સાથે મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર થશે. આ માટે હવે પછી જાહેરનામું બહાર પાડી વોર્ડ પ્રમાણે વિસ્તાર, અંદાજીત વસ્તી કે મતદારોની સંખ્યા જાહેર કરવામાં આવશે.

૪૪ બેઠકોમાં ૫ એસસી, ૪ ઓબીસી અને ૧ એસટી માટે અનામત 

ગાંધીનગર મહાનગર પાલિકામાં ૩ વોર્ડ અને ૧૨ બેઠકોનો વધારો થતાં હવે કુલ ૧૧ વોર્ડમાં ૪૪ બેઠકો રહેશે. જેમાં ૫૦ ટકા એટલે કે ૨૦ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. તેમાં ૧૭ બેઠકો સમાન્ય, ૩ એસસી અને ૨ ઓબીસી મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે.

ગાંધીનગર મહાનગર પાલિકામાં હવે ૧૧ વોર્ડની ૪૪ બેઠકોમાં મહિલા અનામત ઉપરાંત પાંચ બેઠક એસસી માટે અનામત રહેશે. તેમાં ૩ મહિલા અને ૨ બેઠકો પુરૂષ માટે અનામત રહેશે. જ્યારે ૪ બેઠક ઓબીસી એટલે કે આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગ માટે અનામત રહેશે. તેમાં બે - બે બેઠક મહિલા અને પુરુષ માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત એક બેઠક એસટી સામાન્ય ઉમેદવાર માટે અનામત રહેશે. પરિણામે મહિલા ઉમેદવારને પણ તક મળી શકશે. આમ આ ૧૦ બેઠકોનો અનામત વર્ગ માટે સમાવેશ કરવામાં આવ્યો છે.