મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ કોરોનાની આ સ્થિતિમાં ગુજરાત વિધાનસભા સત્રને લઈને ઘણા લોકો રાહ જોઈ રહ્યા હતા. સત્ર ક્યારે શરૂ થશે તેની પણ ચર્ચાઓ ચાલી હતી જોકે આજે ગુજરાત વિધાનસભાનું આગામી 21મી સપ્ટેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં કરવામાં આવ્યો છે. ચોમાસુ સત્ર પાંચ દિવસ સુધી ચાલશે. જેમાં 24 જેટલા કાયદા અને કાયદા સુધારક વિધેયકો પસાર કરવામાં આવશે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી અને તેમણે જણાવ્યું કે, 21મી સપ્ટેમ્બરે ચોમાસુ સત્રના પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધનને પગલે શોક પ્રસ્તાવ લાવવામાં આવશે. ઉપરાંત 24 જેટલા વિવિધ કાયદાઓ અને કાયદા સુધારક વિધેયકો લાવવામાં આવશે. માં ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ, પાસાના સુધારા, ગુંડા નાબૂદી ધારા, મહેસૂલ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા જેવા સુધારા વિધેયક લાવશે. ઉપરાંત લોકડાઉન અને અનલોકમાં કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, રોજ દસ કલાક સુધી વિધાનસભાના સત્ર દરમિયાન કામગીરી ચાલશે. કોરોનાને કારણે તારાંકિત પ્રશ્નોત્તરી ન આવે તેવી વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરવામમાં આવી છે, છતાં અધ્યક્ષના સૂચન આધારે ટૂંકી મુદ્દતના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે. ચોમાસુ સત્ર મોડેથી મળી રહ્યું છે તેનું કારણ કોરોનાકાળ છે જોકે કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. સત્ર પહેલા મુખ્યમંત્રીથી માંડીને ધારાસભ્યો, અધિકારીઓ, સલામતી અધિકારીઓના કોરોના ટેસ્ટ કરાશે.