મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાની મુદ્દત પૂર્ણ થતાં જ પહેલાં બે તબક્કાનું કામ પુરૂ થઈ ગયું છે. જેમાં આજે રાજ્યના પાટનગર ખાતે જ કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સી. જે. ચાવડાનું ઉમેદવારી પત્ર ભરતી વખતે નીકાળવામાં આવેલી રેલીમાં કોંગ્રેસના ડમી ઉમેદવાર અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું ખિસ્સું કપાયું હતું. જેમાં બ્લ્યુ શેરવાની અને આકર્ષક સાફો પહેરીને આવેલાં બાળદેવજી ઠાકોરના ખિસ્સામાં ફોર્મ ભરવા માટેની ડિપોઝીટના રૂપિયા ૨૫ હજાર હતા. તે ચોરાઈ જતા ચકચાર મચી જવા પામી હતી. ગાંધીનગરમાં ફોર્મ ભરતી વખતે જડબેસલાક પોલીસ બંદોબસ્ત હોવા છતાં બે દિવસ પહેલા અમિત શાહની ઉમેદવારી વખતે પણ એક ડઝન જેટલા કાર્યકરોના ખિસ્સા હળવા થઇ ગયા હતા.

ગાંધીનગર ખાતે કોંગ્રેસના ડમી ઉમેદવારના જ ડિપોઝિટના પૈસા ખિસ્સામાંથી ચોરાઈ જતાં રમૂજ સાથે ભારે ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગર લોકસભાની બેઠક માટે આજે કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સી. જે. ચાવડાએ રેલી નીકાળી ઉમેદવારી પત્ર ભર્યું હતું. રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના વતન વાસાણીયા મહાદેવ મંદિરેથી નીકાળેલી આ રેલીમાં ઘણાં લોકોના ખિસ્સા કપાઈ ગયા હતા. જેમાં કોંગ્રેસના ડમી ઉમેદવાર અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું જ ખિસ્સું કપાયું હતું. અલગ જ રંગની પાઘડી સાથે ભારે ઉત્સાહમાં જણાતા ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઝાભ્ભાના ખિસ્સામાંથી રૂપિયા ૨૫ હજાર ચોરાઈ ગયા હતા.

કોંગ્રેસનાં આ ડમી ઉમેદવાર બળદેવજી ઠાકોરે ફોર્મની સાથે ડિપોઝિટ ભરવા માટે ખિસ્સામાં રૂપિયા ૨૫ હજાર રાખેલા હતા. આ ઉપરાંત ઘણા આગેવાન અને કાર્યકરોના પણ પૈસા અને મોબાઇલ ફોન ચોરાયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ અગાઉ ભાજપના ઉમેદવાર અમિત શાહનું ફોર્મ ભરતી વખતે પણ ઝેડ પ્લસ સુરક્ષા હોવા છતા કર્યાકારોના પાકીટ અને મોબાઇલ ફોન ચોર તફડાવી ગયા હતા.