મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના દહેગામના કડાદરા ગામે રહેતા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રણવીર સિંહ બિહોલા પર ચાર દિવસ પહેલા સરપંચ કિરિટ સિંહના ડ્રાયવર અને તેના સાગરીતોએ ચપ્પા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત જિલ્લા કોંગ્રેસ મહામંત્રીનું મોત થયું હતુ. બીજી બાજુ અમદાવાદ સિવિલથી લાશ લઇને તેમના ગામ આવતા પરિવારજનોએ લાશ લેવાનો ઇનકાર કર્યો હતો અને દહેગામ અમદાવાદ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો.

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રણવીર સિંહ બિહોલાની હત્યાના બનાવે રાજકીય સ્વરૂપ પકડી લીધુ છે. ગત મંગળવારે રાત્રે ગરબા પૂર્ણ થયા બાદ રણવીર સિંહ બિહોલા પર ગામના સરપંચ કિરિટ સિંહના માણસોએ ચપ્પા વડે હુમલો કર્યો હતો. જેમાં સરપંચના ડ્રાયવર નારણસિંહ બિહોલાને પણ ઇજાઓ થઇ હતી. નારણસિંહ બિહોલાએ દહેગામના પૂર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડ અને તેમના દહેગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાલસિંહ રાઠોડ સહિત સાત વ્યક્તિઓ વિરૂદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે નારણસિંહ બિહોલાના હુમલામાં ભોગ બનેલા રણવીર સિંહ બિહોલાના ભાઇની ફરિયાદમાં સામા પક્ષે ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. ત્રણ દિવસની સારવાર બાદ રણવીર સિંહ બિહોલાનું મૃત્યુ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. બીજી બાજુ રણવીર સિંહ બિહોલાનું મૃત્યુ થતા જિલ્લાની પોલીસ દહેગામમાં ખડકી દેવામાં આવી છે. રણવીર સિંહના ટેકેદારોએ દહેગામ અમદાવાદ હાઇવે ચક્કાજામ કરતા પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી અને ટેકેદારોની અટકાયત પણ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર સરપંચ કિરિટસિંહ અગાઉ કોંગ્રેસમાં હતા પરંતુ ગત વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ત્યારથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામીનીબા અને તેમના પતિ લાલસિંહ રાઠોડ સાથે તેમના સંબંધો બગડ્યા હતા. રણવીરસિંહ બિહોલા પર હુમલો થયો તે પહેલા સરપંચ કિરિટસિંહ સાથે નાણાની લેતીદેતીમાં ઝઘડો થયો હતો તેના કારણે આજે જ્યારે રણવીરસિંહની લાશ અમદાવાદથી એમ્બ્યુલન્સમાં લાવવામાં આવી ત્યારે ટેકેદારોએ ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.