મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતી ગાયીકા અને ચાર..ચાર બંગડી ફેમ કિંજલ દવે આજે ગુરુવારે ભાજપમાં જોડાઈ પોતાના કેરિયરને એક અલગ દિશા આપી છે. ગુજરાત ભાજપના મુખ્યકાર્યાલય ગાંધીનગર કમલમ્ ખાતે કિંજલ દવે અને તેના પિતા સાથે પહોંચી ભાજપનો કેસરિયો ધારણ કરવામાં આવ્યો હતો.

આજે તેઓ બંને જ્યારે ભાજપ કાર્યાલય પહોંચ્યા ત્યારથી જ વિવિધ ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો હતો. તેઓ પહેલા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને જીતુ વાઘાણીને મળ્યા હતા. તે પછી તેમણે ભાજપનો ખેસ જીતુ વાઘાણીના હાથે પહેરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જીતુ વાઘાણીએ પણ આ સમયે કિંજલને જોડાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કિંજલ દવે ગુજરાતના પાટણથી આવનારી એક ગુજરાતી ગાયીકા છે જે ચાર ચાર બંગડી ગીતથી ગુજરાતી ગીતોની દુનિયામાં છવાઈ ગઈ. જે પછી તેણે ઘણા હીટ સોંગ ગાયા અને તેમાં પર્ફોમ પણ કર્યું હતું. હાલમાં જ તેના પર ચાર ચાર બંગડી ગીત ચોરી કરાયાનો આરોપ પણ લાગ્યો હતો જે કોર્ટના દરવાજા સુધી પહોંચ્યો છે.

કિંજલ દવેના પિતા હિરાઘસુ હતા તેઓ આ કામ સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા જેને પગલે તેમના પર મનુ રબારી સાથે મળી તેઓ ગીતો લખતા હતા. કિંજલ નાનપણથી જ સ્ટેજ પર્ફોમ કરી ચુકી હતી.