મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગર: ગાંધીનગરના 27 વર્ષીય ખુમાનસિંહ રાણા નામના યુવકનું આજે વહેલી સવારે દહેગામ પાસે માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. પોતાના પિતાને કિડનીનું દાન આપી નવું જીવન આપનાર આ યુવકનું મોત થતાં પરિવાર શોકાતુર થઈ ગયો છે. કરજોદરા ખાતે ચૂંટણીના પ્રચારના કામ પૂરા કરી પરત ફરતી વખતે કાર અચાનક ડિવાઇડર સાથે ભટકાઈ હતી. જેમાં યુવકનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે કોંગ્રેસના નેતાઓ કાર્ય કરો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ખુમાનસિંહ ગાંધીનગર કોંગ્રેસ વર્ગ-૩ના પ્રમુખ તરીકે કામ કરતા હતા સાથે જ જિલ્લા માહિતી વિભાગ માં તેમના પિતા અમરસિંહ રાણા પણ ફરજ બજાવી ચૂક્યાં છે.

ખુમાનસિંહ બે મહિના પહેલાં જ પોતાના પિતા અને કિડનીની બીમારી હોય તેમને પોતાની કિડની દાન કરી નવું જીવન આપ્યું હતું. ખુમાનસિંહની ઉંમર હજુ 27 વર્ષની હતી તેથી એક જુવાનજોધ પરિવારનું સભ્ય ગુમાવ્યાની પીડા તેમના પરિવારના ચહેરા પર વાંચી શકાતી હતી. તેઓ કરજોદરા ખાતે ચૂંટણીપ્રચાર એ ગયા હતા જેનું કામ પતાવી વહેલી પરોઢિયે તે બાય રોડ પરથી કાર લઇ પરત આવી રહ્યા હતા. આ દરમિયાનમાં પાલૈયા નજીક અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે ભટકાઈ હતી. બાદમાં કાર પલટી ખાઇને રોડની બીજી સાઈડ નીચે ઉતરી ગઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ખુમાનસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.