મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી: અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે અપહરણ,ગુમ થયેલ અને વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લા પોલીસતંત્રને માર્ગદર્શન અને સૂચના આપતા સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓ સતત દોડધામ કરી રહી છે. માલપુર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ચાર રસ્તા પર શંકાસ્પદ હાલતમાં જોવા મળેલ યુવકને અટકાવી પૂછપરછ કરી પોકેટ કોપ મોબાઈલ એપમાં યુવકનું નામ સર્ચ કરતા યુવક સામે ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં સગીરવયની કિશોરીનું અપહરણના ગુન્હાનો આરોપી હોવાનું જણાઈ આવતા યુવકની અટકાયત કરી રાખીયાલ પોલીસને સુપ્રત કર્યો હતો. 
     
માલપુર પીઆઈ એફ એલ રાઠોડ અને તેમની ટીમ માલપુર નગરમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું. માલપુર ચાર રસ્તા પર એક યુવકની શંકાસ્પદ ગતિવિધિ જણાતા તેને અટકાવી પૂછપરછ કરતા તેનું નામ રૂદ્રપાલસિંહ ભરતસિંહ રાઠોડ હોવાનું જણાવતા પીઆઈ એફ એલ રાઠોડે યુવકનું નામ પોકેટ કોપ મોબાઈલ એપમાં નાખતા યુવક વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપહરણનો ગુન્હો નોંધાયેલ હોવાનું અને આરોપી અપહરણનો ગુન્હો આચરી નાસતો ફરતો હોવાથી તેની અટકાયત કરી લીધી હતી. સગીર કિશોરીનું અપહરણ કરનાર વિજાપુર તાલુકાના સોજા ગામનો રૂદ્રપાલસિંહ ભરતસિંહ રાઠોડ શિવમ સોસાયાટી તલોદ (સાબરકાંઠા) માં રહેતો હોવાનું જણાવ્યું હતું. માલપુર પોલીસ રૂદ્રપાલસિંહને રખિયાલ પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. માલપુર પોલિસીની સતર્કતા અને પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનની મદદથી અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.