મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે જે પૂર્ણ થવા સાથે સરકાર 10 વર્ષ પછી જંત્રીના ભાવમાં ધરખમ વધારો કરે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જંત્રીના ભાવોમાં વધારો થતાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે ભાવ વધારો થાય તેવી સ્પષ્ટ શક્યતાઓ જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે જંત્રીદર અને બજાર ભાવોમાં મોટો ફરક રહે છે, જેને કારણે જ્યારે સરકારની કોઈ યોજનામાં જમીન સંપાદનની વાત આવે ત્યારે જમીન માલીકો જમીન સંપાદન માટે તૈયાર થતા નથી અને વિવાદો ઊભા થાય છે. છેલ્લા 10 વર્ષથી જંત્રીદરમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે સૂત્રોનું માનીએ તો સરકાર આ વિધાનસભા સત્ર પછી જંત્રીદરમાં 100 ટકા જેટલો એટલે કે બમણો વધારો કરવાના વિચારમાં છે. જોકે હજુ બિલ્ડર લોબી અને રિઅલ એસ્ટેટ સાથે જોડાયેલા ધંધાદારીઓ આ મામલે ઓછો વધારો અથવા હાલ કોરોના કાળનું ગણિત સમજાવી મોકુફી મેળવવાના ચક્કરમાં છે. 

ગુજરાતમાં જમીનના કુલ 9.9 ટકા જંત્રી મુલ્યને સ્ટેમ્પ ડયુટી તરીકે ગણવામાં આવે છે, જમીનના હકોના ફેરફાર વખતે તે  લેવાય છે બિનખેતીના સ્થાનાંતરમાં શહેરમાં જમીનના જંત્રી મુલ્યના 40 ટકા ગણાય છે. ખેતીના ઉપયોગ કે કૃષિ ઉપયોગમાં જમીનના હક ફેરફારમાં શહેરમાં 25 ટકા જંત્રી લેવાય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ્યારે વર્ષ 2011માં જંત્રીના ભાવોમાં ફેરફાર કરાયો ત્યારે ગુજરાતમાં જમીનોના ભાવો હતા ત્યાંથી ધરખમ ઉંચા રહ્યા. જંત્રીના ભાવો અને બજાર ભાવોમાં થયેલી મોટી અસમાનતાએ કાળાબજારી ઘણી વધી ગઈ હતી. સરકાર આવી ઘણી બાબતો પર પૂર્ણવિરામ મુકવાના ઘણા બીજા રસ્તાઓ પણ અપનાવવા જઈ રહી છે.