દેવલ જાદવ (મેરાન્યૂઝ.ગાંધીનગર): 26 નવેમ્બર, 1949ના દિવસે ભારતનું બંધારણ દેશમાં અપનાવવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી, 1950ના રોજ સંવિધાન સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છે. સંવિધાન અપનાવવામાં આવ્યું હોવાથી 26 નવેમ્બરના દિવસને સમગ્ર દેશમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દિવસ નિમિત્તે સંવિધાન ગૌરવ યાત્રા શરૂ કરવા જઈ રહી છે. એક તરફ આ યાત્રા કાઢવામાં આવી રહી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની પિતૃસંસ્થા RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ) ભારતમાં સંવિધાનની જગ્યાએ મનુસ્મૃતિ લાગુ કરવાની વાતો કરે છે.

RSSના કાર્યકર્તા, પ્રવક્તા અને નેતાઓ દ્વારા ઘણી વાર મોટા મંચ પરથી આ વાત સ્પષ્ટપણે જાહેરમાં કહેવામાં આવી છે કે તેમણે ભારતીય બંધારણની જગ્યાએ મનુસ્મૃતિ લાગુ કરવા માંગે છે. હવે જ્યારે તેમની રાજકીય પાંખ ભાજપ આ રીતે સંવિધાન ગૌરવ યાત્રા કાઢશે. આગામી ચૂંટણીઓમાં દલિતોના વોટ લેવા તમામ પાર્ટીઓ માટે પ્રથમ હરોળમાં છે અને આંબેડકરને કેન્દ્રમાં રાખીને રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી લેશે તે નક્કી મનાય છે.

ભાજપ દ્વારા 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ગુજરાતમાં 33 જિલ્લાઓ અને 6 મહાનગરપાલિકામાં સંવિધાન ગૌરવ યાત્રા કાઢવામાં આવશે. 6 ડિસેમ્બરે વડનગરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આ યાત્રાની પુર્ણાહુતી કરશે. ઉલ્લેખનીય છે કે વડનગરના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દલિત નેતા છે. વડનગરમાં એક મોટો વર્ગ જીગ્નેશ મેવાણીનો સમર્થક છે. આ યાત્રાથી ક્યાંકને ક્યાંક મતદારોને ભાજપ તરફ ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવું રાજકીય પંડીતોનું માનવું છે.

આ સંદર્ભમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, જ્યારે બંધારણ લાગુ કરવામાં આવ્યું તે સમયે ઇતિહાસની ચોપડીઓમાં લખ્યું છે કે RSSના નેતાઓએ મનુસ્મૃતિની માંગણી કરી હતી. જે મનુસ્મૃતિમાં સ્ત્રીઓ અને દલિતોને કોઈ અધિકાર આપવામાં નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે RSS અને બીજેપી જે સવારકરને ગુરુ માને છે તેમણે તેમના એક પુસ્તક 'વુમન ઇન મનુસ્મૃતિ'માં લખ્યું છે કે, "મનુસ્મૃતિ એ શાસ્ત્ર છે જે આપણા હિન્દુ રાષ્ટ્ર માટે વેદો પછી સૌથી વધુ પૂજા સમાન છે અને જે પ્રાચીન સમયથી આપણા સંસ્કૃતિ, રિવાજો, વિચાર અને વ્યવહારનો આધાર બની ગયું છે. સદીઓથી આ પુસ્તકે આપણા રાષ્ટ્રની આધ્યાત્મિક અને દિવ્ય કૂચને સંહિતાબદ્ધ કરી છે. આજે પણ જે નિયમોનું પાલન તેમના જીવન અને વ્યવહારમાં કરોડો હિન્દુઓ દ્વારા કરવામાં આવે છે તે મનુસ્મૃતિ પર આધારિત છે. આજે મનુસ્મૃતિ હિન્દુ કાયદો છે. તે મૂળભૂત છે."