મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલો થવી હવે સામાન્ય બાબત છે. ઘણા બધા લોકો પોતાના ફાર્મ  હાઉસ જેવી જગ્યાઓએ મિત્રોને એકત્રિત કરીને દારૂની મહેફિલ માણતા હોય છે પણ દારૂની મજા લેતા લેતા મિત્રો વચ્ચે તકરારના પણ સમાચાર સામે આવતા હોય છે. તેવી જ રીતે ગાંધીનગરના એક ફાર્મ હાઉસમાં કેટલાક મિત્રો ભેગા મળીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા તે દરમિયાન ત્રણ મિત્રો વચ્ચે માથાકૂટ થતા એક મિત્રએ પોતની પાસે રહેલી રિવોલ્વર કાઢીને એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી.

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય નામના ફાર્મ હાઉસમાં આંઠ જેટલા મિત્રો ભેગા મળીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ ફાર્મ હાઉસ પ્રવીણ મણિયા નામના વ્યક્તિનું છે. દારૂની મહેફિલ દરમિયાન મિત્રો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા ફાર્મ હાઉસના મલિક સાથે જયદીપસિંહ ગોહિલ અને તરુણસિંહ ઝાલા વચ્ચે ઝાપઝપી થઈ અને જયદીપસિંહ ગોહિલે પોતાની પાસે રહેલી લાયસન્સ વાળી રિવોલ્વરથી પ્રવીણ મણિયાને છાતીના ભાગમાં ગોળી મારી દીધી હતી.

Advertisement


 

 

 

 

 

પ્રવીણ મણિયાની હત્યા કર્યા બાદ જયદીપસિંહ અને તરુણસિંહ ફાર્મ હાઉસથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે બીજા એક મિત્ર સંતોષ ભરવાડે તેમને રોકવાનો પ્રયત્ન કરતા આ બંનેએ સંતોષને પણ માર્યો હતો અને તે ઇજાગ્રસ્ત થયો હતો. પ્રવીણ મણિયા અને સંતોસ ભરવાડને આશકા હોસ્પિટલમાં લાઇ જવામાં આવ્યા હતા પરંતુ પ્રવીણ મણિયાને છાતીમાં ગોળી વાગી હોવાને કારણે મૃત્યુ થયું હતું અને સંતોષ ભરવાડની સારવાર ચાલી રહી છે.

સમગ્ર ઘટનાની જાણ થતાં સેક્ટર-7 પીઆઈ ડી. એસ. ચૌધરી, ઇન્ફોસિટી પીઆઈ પી. પી. વાઘેલા અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ. પી. ઝાલા અને જે. એચ. સિંધવ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અંગે પોલીસે તાપસ કરવા માટે સીસીટીવી ફુટેજની પણ ચકાસણી શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે સુત્રોને કામે લગાડ્યા છે. અન્ય મિત્રોની આ હત્યામાં સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.