મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ પોતાને ઢબુડી માતા તરીકે ઓળખાવતો ધનજી ઓડ બુધવારે રાત્રે પેથાપુર ખાતેના પોલીસ મથકે હાજર થયો હતો. ગાંધીનગર કોર્ટે તેના આગોતરા જામીન નામંજુર કર્યા હતા. જ્યારથી પોલીસ તેની પાછળ લાગી ત્યારથી જ તે ભૂગર્મમાં ઉતરી ગયો હતો. તેના ઢબુડી માતા તરીકે લોકોને દૈવી શક્તિઓથી મનોકામનાઓ પુર્ણ કરવાના તિકડમો હવે જાહેર થઈ ગયા છે. 

થોડા વખત અગાઉ બોટાદના ભીખાભાઈ માણીયાએ પેથાપુર પોલીસ મથકે અરજી કરી હતી. તેમની અરજીમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પુત્રની કેન્સરની દવા ઢબુડી માતાએ બંધ કરાવી હતી. તેની ભ્રામક વાતોમાં આવી તેમણે દિકરાની દવાઓ બંધ કરતાં તેમને અંતે દિકરો ગુમાવવાનો વારો આવ્યો હતો.

જે અરજી બાદ ગાંધીનગર સેશન્સ કોર્ટ પાસે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડએ આગોતરા જામીન માગ્યા હતા પરંતુ કોર્ટે કેસની તપાસ ચાલુ છે તેથી આગોતરા જામીન ફગાવ્યા હતા. ધનજીની જ્યારે જામીન અરજી કરાઈ હતી ત્યારે સોગંદનાનામાં એવું કહેવાયું હતું કે, ધનજી હિન્દુ ધર્મનો પ્રચાર કરવા સભા કરે છે. પોલીસ તપાસ માટે જ્યારે પણ બોલાવશે ત્યારે તે હાજર થઈ સહયોગ આપશે પરંતુ કોર્ટે જામીન મંજુર રાખ્યા ન હતા. બુધવારે રાત્રે ધનજી ગાંધીનગર નજીકના પેથાપુર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. પોલીસે આ અંગેની વધુ કાર્યવાહી હાથ ધરી છે.