મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ પોતાને ઢબુડી માતા તરીકે ઓળખાવતા ધનજી ઓડના આગોતરા જામીન ગાંધીનગર કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે. ધનજી સામે કાયદાકીય ગાળીયો મજબૂત થતાં તેણે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન માગ્યા હતા. પરંતુ કોર્ટ આ અંગે જામીન ના મંજુર કર્યા છે. હવે ધનજી ઓડની ગમે ત્યારે પોલીસ ગુનો નોંધે અને ધરપકડ થાય તેવી શક્યતા છે. જોકે ઢબુડી માતા હાલ ફરાર છે, તેની શોધખોળ સહીતની કાર્યવાહીઓ ચાલી રહી છે.

ધનજી પોતાને ઢબુડી માતા તરીકે ઓળખાવી લોકોના દુખડા દૂર કરવાની અને અલૌકીક શક્તિઓ ધરાવતા હોવાની વાતો ફેલાવી અંધશ્રદ્ધા તરફ લોકોને દોરવી રહ્યો છે. તેની સામે થયેલી અરજીની તપાસ ચાલુ છે ત્યારે પોલીસે તેની શોધખોળ રૂપાલ, ચાંદખેડા સહિત ઘણા સ્થળોએ કરી પરંતુ તે મળ્યો ન હતો.

સ્થિતિ એવી બની કે ઢબુડી માતાને કોર્ટનો સહારો લીધો. લોકોના દુખડા દુર કરવાના ફાંકા મારતી ઢબુડી માતાને ખુદને જામીન લેવાના ફાંફા પડી ગયા. કોર્ટ જામીન નામંજુર કર્યા અને હવે પોલીસ શોધી રહી છે. તે તપાસમાં જ જ્યારે સહકાર નથી આપી રહ્યો તો તેના જો જામીન મંજુર થઈ જાય તો કાયદાનો ભય ઢબૂડી માતા (ધનજી ઓડ)ના મનમાંથી જતો રહે તેમ છે.

સસકારી વકીલે દલીલો કરતાં ગાંધીનગર એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા જામીન નામંજુર કરાયા હતા. હવે તે જામીન માટે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવે તેવી શક્યતા છે.