મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં સવાસો દિવસમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૦૦૦ને પાર થઈ ગઈ છે. ગાંધીનગરમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ ૨૦ માર્ચે સેક્ટર ૨૯માં દુબઈથી આવેલાં યુવાન ઉમંગ પટેલનો સામે આવ્યો હતો. આ પછી ૨૦ એપ્રિલે ઉમંગને ડિસ્ચાર્જ કરવા સાથે ગાંધીનગર શહેર કોરોનામુકત બની ગયું હતું. તો સમગ્ર જીલ્લામાં કોરોના પોઝીટીવના માત્ર ૨૦ કેસો જ નોંધાયાં હતાં. 

ગાંધીનગર જિલ્લાનાં દહેગામમાં ૨૧ એપ્રિલે એક પોઝીટીવ કેસ નોંધાતાં સમગ્ર જીલ્લો કોરોનાથી સંક્રમિત થઈ ગયો હતો. પહેલી મેનાં રોજ ગાંધીનગર જિલ્લામાં ૪૦ દિવસમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૫૦ થઈ ગઈ હતી. આ પછી માત્ર ૯ દિવસમાં જ કોરોના પોઝીટીવ કેસો ડબલ એટલે કે ૧૦૦ થયાં હતાં. તો તેનાં ૧૩ દિવસ પછી એટલે કે ૨૨ મેં એ ફરી ડબલ સાથે કોરોના પોઝીટીવ કેસોની ડબલ સેન્ચુરી થઈ હતી. 

ગાંધીનગર જિલ્લાનાં માણસા શહેરમાં સૌથી છેલ્લે એટલે કે, ૬૨ દિવસે કોરોના પોઝીટીવનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ પછી ખૂબ ઝડપથી વધેલાં કોરોના પોઝીટીવ કેસોમાં ૧૧ દિવસ એટલે કે, બીજી જૂને ૩૦૦ કેસો થઈ ગયાં હતાં. તો જુનમાં બેફામ બનેલાં કોરોના સંક્રમણમાં એકજ મહિનામાં ૫૦૦ જેટલાં કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં હતાં. આ પછી પણ કોરોનાનો રાફડો ફાટતાં જુલાઈના ૧૩ દિવસમાં જ ૨૦૦ જેટલા કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. જેમાં ૬૩ દર્દીઓના મોત થયાં છે. તો સારી બાબત એ પણ છે કે, ૬૫૧ દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.