મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: કોંગ્રેસના ઉના બેઠકથી ધારાસભ્ય પુંજાભાઇ વંશને અજાણી વ્યક્તિએ પ્રાઇવેટ નંબરથી કોલ કરી ધમકીભર્યા અંદાજમાં અપશબ્દો અને ગાળો આપી હોવાની ફરિયાદ ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

પોલીસ ફરિયાદમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઇ ભીમાભાઇ વંશે જણાવ્યું છે કે તેઓ ગત તા. 3 જાન્યુઆરી 2019ના રોજ સવારે ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને હતા ત્યારે સવારે 6 વાગ્યે એક પ્રાઇવેટ નંબરથી તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો. આ કોલ રિસિવ કરતા સામેવાળી વ્યક્તિએ ધમકીભર્યા સ્વરમાં જેમ ફાવે તેમ અભદ્ર અને બિભત્સ ગાળો બોલી હતી જેથી તેમણે કોલ કટ કરી નાખ્યો હતો. જ્યાર બાદ તે જ દિવસે સમયાંતરે બે વખત પ્રાઇવેટ નંબરથી કોલ આવ્યો હતો પણ તેમને આ કોલ રિસિવ કર્યો ન હતો. આ ઘટના અંગે તેમણે પોતાના લેટર પેડ પર એક અરજી આપી હતી અને તેઓ પોતાના મતવિસ્તાર ઉના ગયા હતા. આ દરમિયાન તા. 4 જાન્યુઆરી 2019ના રોજ પણ આ જ પ્રાઇવેટ નંબરથી તેમને કેટલાક કોલ આવ્યા હતાં પરંતુ તેમણે તે કોલ રિસિવ કર્યા ન હતા. તેમને શંકા છે કે આ કોલ કોઈ બદઇરાદાથી અને શારીરિક તથા અન્ય રીતે નુકશાન પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યા છે. જો કે પુંજાભાઇએ તેમની ફરિયાદમાં કોઈપણ વ્યક્તિ પર શંકા ન હોવાનું પણ જણાવ્યું છે અને અજાણ્યા શખ્સને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરે છે.

કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઇ વંશની ફરિયાદને આધારે ગાંધીનગરની સેક્ટર 21 પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ આઇપીસીની કલમ 504 અને 507 હેઠળ ગુનો દાખલ કરી અજાણ્યા શખ્સ અને પ્રાઇવેટ નંબર અંગે વધુ તપાસ હાથધરી છે.