મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગાંધીનગરમાં હાલ કોર્પોરેશનની ચૂંટણી માટે ખેંચતાણ શરૂ છે ત્યારે ગાંધીનગરમાં કલેક્ટર કચેરીમાં જ આમ આદમી પાર્ટીના વોર્ડ 3ના પ્રમુખને શખ્સો દ્વારા જોરદાર રીતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટના મામલે આમ આદમી પાર્ટીએ કહ્યું કે, અમારા ગાંધીનગરના વોર્ડ 3ના પ્રમુખ સંજય ડોડિયાને ભાજપના લોકોએ માર માર્યો છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. કાયદો માત્ર એક તરફી ન હોય.

આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ કહ્યું કે, ભાજપની હતાશા, આ લુખ્ખાગીરી, બે રોકટોક પાટનગરમાં દૃશ્યમાન છે. કલેકટર કચેરીમાં આમ આદમી પાર્ટીના વોર્ડ ૩ ના પ્રમુખ સંજયભાઈ ડોડીયાને ભાજપના લોકો દ્વારા માર મારવામાં આવ્યો અને તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા. કલેકટર કચેરીમાં કોઈ પોલીસ કે સિક્યોરિટી શું હાજાર નહીં હોય? શું પોલીસ માત્ર ભાજપના લોકોના જ રક્ષણ માટે છે ? સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તટસ્થ તપાસ કરીને આવા ગુંડા ગરદી કરતા તત્વોને પકડી જેલના હવાલે કરો. મારી નાખવાના ઇરાદે કરેલ આ જીવલેણ હુમલો દેખાઈ રહ્યો છે.

તેમણે ઉમેર્યું કે, આમ આદમી પાર્ટી ગાંધીનગરના વોર્ડ નંબર ૩ ના પ્રમુખ સંજયભાઈ ડોડીયાને ભાજપના ઉમેદવાર અને ગુંડાઓ ભરતભાઈ ગોહિલ અને તેમના સાગરિતો દ્વારા કલેકટર કચેરીમાં જ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો, આવા તત્વોને કડક સજા કરો. જોકે આ મામલે ભાજપ તરફથી હજુ કોઈ નિવેદન સામે આવ્યું નથી.