મિલન ઠક્કર (મેરાન્યૂઝ ગાંધીનગર): બે દિવસથી ચાલતી જી.એમ.ઇ.આર.એસના ડોક્ટર્સ અને નર્સની હડતાલ ગુરુવારે મોડી રાતથી એક દિવસ માટે સમેટી લેવામાં આવી છે. મોડી રાતે જી.એમ.ઇ.આર.એસના પ્રતિનિધિઓએ પ્રશાસન સાથે વાટાઘાટ કર્યા બાદ આ નિર્ણય કર્યો હતો. જી.એમ.ઇ.આર.એસ.ના પ્રતિનિધિઓએ એમ પણ જણાવ્યું હતું કે, જો શુક્રવારે અમારી માગણીઓ નહીં સ્વીકારાય તો અમે ફરી હડતાલ કરીશું.

લગભગ છેલ્લા ચાર વર્ષથી જી.એમ.ઇ.આર.એસ પોતાની માગણીઓ સરકાર સમક્ષ મૂકી રહ્યું છે. પરંતુ સરકાર તરફથી કોઈપણ યોગ્ય પગલાં લેવામાં ન આવતાં જી.એમ.ઇ.આર.એસના ડોક્ટર્સ અને નર્સે મંગળવારે સરકારને જાણ કરી હતી કે, અમે અમારી માગને લઈને બુધવારથી હડતાલ પર ઉતરીશું. પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો ન્હોતો. જેથી જી.એમ.ઇ.આર.એસના ડોક્ટર્સ અને નર્સ બુધવારે બપોરે ૧૨ વાગ્યાથી હડતાલ પર ઉતરી ગયા હતા.

જેને પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો અને ૬૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતાં દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડી હતી. ગુરુવારે મોડી રાતે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રિન્સિપલ સેક્રેટરી જયંતી રવિ અને કમિશનર જયપ્રકાશ શિવહરેએ જી.એમ.ઇ.આર.એસના પ્રતિનિધિઓ સાથે આ મામલે વાટાઘાટ કરી હતી અને ખાતરી આપી હતી કે આ સમસ્યાઓનો ચર્ચાથી ઉકેલ લાવી શકીએ છીએ તો એના માટે શુક્રવારે બપોરે એક વાગ્યે વ્યવસ્થિત ચર્ચા માટે મળીશું. આ સંદર્ભમાં તેઓએ રિક્વેસ્ટ પણ કરી હતી કે, કોવિડના દર્દીઓની સારવારની કામગીરી ચાલુ થઈ જાય.


 

 

 

 

 

તમામ સંજોગો, પ્રશાસનની બાહેધરી અને દર્દીઓના હિતને ધ્યાનમાં લઈને જી.એમ.ઇ.આર.એસે હડતાલને હાલ પુરતી સ્થગિત કરી ડ્યૂટી જોઈન કરી લીધી હતી. અને જો શુક્રવારની મીટિંગમાં પ્રશાસન તરફથી લેખિતમાં અમારી માગ સ્વીકારવામાં ન આવે તો આ હડતાલ ચાલુ રાખીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.