મિલન ઠક્કર (મેરાન્યૂઝ ગાંધીનગર): ગુજરાતના મહાનગરો અને મોટા શહેરોની સ્થિતિથી આપણે સૌ વાકેફ છીએ. સરકારના સબ સલામતના દાવાની તદ્દન વિરોધાભાસ એવી ગાંધીનગર સિવિલની કેટલીક હકીકત સામે આવી છે. મંગળવારે રાતે લગભગ 11 વાગ્યાના સુમારે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલની બહાર; કોરોનાની સારવાર મેળવવા માટે 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની કતાર જોવા મળી હતી. હોસ્પિટલમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલમાં જગ્યા નથી અને બેડ ફૂલ છે. આ લોકોને દાખલ થવાનો નંબર આવવામાં સવાર પડી શકે છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં લગભગ પંદરેક દર્દીઓ કોરોનાની સારવાર માટે રઝળપાટ કરી રહ્યા હતા. ત્યાં હાજર રહેલા સ્ટાફ અને દર્દીના સગાં સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, આ હોસ્પિટલમાં ત્રણેક વર્ષ પહેલાં જ બનેલી ઇમારતમાં ઑક્સીજન અને ICU સહિત 600 બેડ કોવિડ સ્પેશિયલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાંથી એક પણ બેડ ખાલી નથી. જેનો મતલબ એવો પણ થઈ શકે કે, ગાંધીનગરની સ્થિતિ અત્યંત ગંભીર છે. એવું પણ જાણવા મળ્યું છે કે, કોવિડ બિલ્ડિંગમાં પહેલાં રોજના લગભગ 35-40 લોકોના મોત થતા હતા જ્યારે અત્યારે રોજના 15-20 દર્દીઓ મોતને ભેટે છે. એ અલગ વાત છે કે, સરકારી આંકડાઓ કંઈક અલગ જ દૃશ્ય રજૂ કરે છે. 


 

 

 

 

 

ગાંધીનગર અને આસપાસના રહીશોને એક આશાનું કિરણ મળ્યું હતું કે, મહાત્મા મંદિર ખાતે નવી હોસ્પિટલ ઊભી કરવામાં આવશે અને સારવાર મેળવવામાં સરળતા રહેશે. પરંતુ ત્યાંની પરિસ્થિતિ જોતાં હજુ પણ દસેક દિવસ સુધી આ આશા માત્ર કિરણ સ્વરૂપે જ રહેશે તેવું જણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર રાજધાની હોવાને કારણે અહીં રહેતા મોટો વર્ગ લોકો સરકારી કર્મચારી અથવા રાજકીય વગ ધરાવતા હોય છે. છતાં જો આવા હાલ હોય તો સામાન્ય માણસની હાલત વિષે કલ્પના કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.