મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગાંધીનગરના પેથાપુરમાં આવેલી કરોડોની જમીન માલિકની જાણ બહાર વેચી મારવા માટે એક ઠગ ટોળકીએ કારસો રચ્યો હતો અને જમીન માલિકના નામના ખોટા આધાર અને પાન કાર્ડ બનાવી જમીન વેંચવા  માટે નિકળેલી ટોળકી અનાયાસે જમીન માલિકને જ તેમની જમીન વેંચવા માટે પહોંચી જતાં ભાંડો ફુટયો હતો. આ મામલે ગાંધીનગર પોલીસે ગુનો નોંધી ઠગ ટોળકીના સભ્યોને ઝડપી લીધા છે.

અમદાવાદમાં બિલ્ડીંગ ક્ન્સટ્રકશનનો વ્યવસાય  કરતા હતીશ પ્રભુદાસ ચૌધરીના પિતા પ્રભુદાસ ચૌધરીએ દસ વર્ષ પહેલા પેથાપુરમાં બે કરોડમાં એક જમીન ખરીદી હતા. થોડાક સમય પછી તેમને માહિતી મળી કે કોઈક વ્યકિત પોતાની ઓળખ પ્રભુદાસ પટેલ તરીકે આપી પેથાપુરની જમીન વેંચવા માટે ફરી રહ્યો છે. જો કે તે વખત ખરેખર કોણ બજારમાં ફરી રહ્યો છે તેની જાણકારી મળી નહીં. દરમિયાન થોડા જ દિવસ પહેલા હતીશના એક મિત્ર ચિંતન ચૌધરી પાસે એક વ્યકિત જમીન વેચાવા આવી હતી, આથી ચિંતન ચૌધરીએ કન્સટ્રકશનનો વ્યસાય કરતા હતીશને જાણ કરી કે પેથાપુરની એક જગ્યા વેચવાની છે. જો તમારે લેવી હોય તો કહો.

હતીશ ચૌધરીના પિતા પ્રભુદાસની જમીન પણ પેથાપુરમાં આવી હોવાને કારણે હતીશ ચોધરી જમીન ખરીદવામાં રસ દાખવી જમીન માલિકને ટોકન આપવા માગે છે તેમ જણાવી ચિંતન ચૌધરીને ગાંધનગરમાં બોલાવ્યા હતા, આથી  બે દલાલો સાથે એક વ્યકિત આવી ગયા હતા. તેણે પોતાનો પરિચય પ્રભુદાસ પટેલ તરીકે આપ્યો હતો અને ઓળખના પુરાવામાં આધાર અને પાન કાર્ડ પણ રજુ કર્યું હતું. આમ જમીનના મુળ માલિક પોતે જ છે તેવું પ્રસ્થાપિત કરવા ઠગે પ્રભુદાસના નામના આધાર-પાન કાર્ડ બનાવી લીધા હતા, હતીશ ચૌધરી દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સેકટર 21 પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી.

જ્યાં પોલીસે પોતાને પ્રભુદાસ પટેલ તરીકે ઓળખાવતી વ્યક્તિની પુછપરછ કરતા તેનું સાચુ નામ દિલીપસિંહ ઝાલા હોવાનું જણાવ્યુ હતું પરંતુ પોતાને આ બનાવટી કાર્ડ પેથાપુરા ધનશ્યામ સિંહ ડાભીએ બનાવી આપ્યા હતા, પોલીસની તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે પેથાપુરની જમીનના મુળ માલિક રતનસિંહ ડાભી હતા, તેમણે પોતાની જમીન પ્રભુદાસ પટેલને વેચી હતી. જો કે ત્યાર બાદ આ જમીનનું ધ્યાન રતનસિંહ જ રાખતા હતા, પણ એક વર્ષ બાદ પ્રભુદાસે જમીન સંભાળની જવાબદારી રતનસિંહ પાસેથી લઈ લીધી હતી, આ બાબતનું રતનસિંહના પુત્ર ઘનશ્યામસિંહને ખરાબ લાગતા તેણે જમીન માલિકની જમીન બારોબાર વેચી મારવા માટે કારસો રચ્યો હતો. જો કે ઠગને પોલીસે ઝડપી લીધા છે. હવે જોવાનું રહ્યુ કે આ ટોળકીએ અગાઉ કેટલાને નિશાન બનાવ્યા છે.