મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગાંધીનગર ખાતેના કુડાસણ પાસે એક ભયાનક અકસ્માત થવા પામ્યો છે આજે વહેલી સવારે કારનું ટાયર ફાટતા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેને કારણે કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે વિદ્યાર્થિનીઓના મોત નિપજ્યા છે અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા છે.

ઘટના એવી બની કે, આ કારમાં ત્રણ વિદ્યાર્થિની અને બે વિદ્યાર્થી હતા. તેઓ ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં હતા. તેઓ અમદાવાદતી પરત પોતાની હોસ્ટેલમાં ગાંધીનગર આવી રહ્યા હતા. દરમિયાન કુડાસણ નજીક ભાઈજીપુરા ગામ પાસે તેમની કારનું ટાયર ફાટતાં કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેને પગલે કાર ધડાકા સાથે ઝાડ સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું હતું. કારમાં બેઠેલી રાધનપુરની ઉર્વશી પરમાર અને હિમ્મતનગરની સમતા સુથારનું ગંભીર ઈજાઓન કારણે ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. તેમની ઈજાઓ એટલી ગંભીર હતી કે તેમનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. આ ઘટનામાં વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે આ ઘટનામાં મૃતકોની લાશોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.