મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ એક સંજોગ એવો ઘડાયો છે જેમાં ગાંધીનગર બેઠક પરના સાંસદ અને ધારાસભ્ય બંનેને કોરોના પોઝિટિવ આવ્યા છે. બંને નેતાઓના ટેકેદારો આ અહેવાલને જાણીને દુઃખી છે. સ્વાભાવિક છે કે તેમના પરિવાર પણ હાલ ચિંતિત છે અને તેમના કુશળ સ્વાસ્થ્ય માટે પ્રાથના કરી રહ્યા છે. હાલમાં જ ગાંધીનગર બેઠક પરથી સાંસદ બનેલા અમિત શાહે પોતાના ઓફીશ્યલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી.

ગાંધીનગરની વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કોંગ્રેસના નેતા સી જે ચાવડા પણ કોરોના સંક્રમિત થયા છે. ગાંધીનગરની લોકસભા બેઠક પરથી સાંસદ બનેલા અમિત શાહ પણ કોરોના પોઝિટિવ થયા છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ જ્યારે ગાંધીનગરની લોકસભા બેઠક માટે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમના પ્રતિસ્પર્ધી તરીકે કોંગ્રેસના નેતા સી જે ચાવડા ચૂંટણી લડી રહ્યા હતા. જોકે અમિત શાહ એક જંગી બહુમતિ સાથે વિજય પામ્યા હતા કારણ કે લોકસભા બેઠક અને વિધાનસભા બેઠકનું સ્વાભાવીક રીતે સિમાંકન અલગ હોય છે અને સાથે જ અમિત શાહએ એક ભાજપના ઉચ્ચ કક્ષાના નેતા હતા જેમની જીત પાછળ ઘણા લોકોની મહેનત પણ હતી. ઉપરાંત અમિત શાહ લોકસભા માટે અહીંના વિસ્તારોમાં લોકપ્રિયતા પણ સી જે ચાવડા કરતાં વધુ ધરાવતા હતા.

જોકે હાલ યોગાનુ યોગ બંને નેતાઓ કોરોના પોઝિટિવ થયા છે. તેમના સ્વાસ્થ્યને લઈને ઘણા લોકો ચિંતિત છે સાથે જ ટીકાકારો હજુ પણ આ તકે પણ ટીકા કરવાનું ચુક્યા નથી. બંને નેતાઓ હૃદયથી એવું ઈચ્છી રહ્યા છે કે પોતાને કોરોના થયો છે તે સત્ય છે પરંતુ પોતાના કારણે અન્ય લોકો સંક્રમિત ન બનવા જોઈએ. સીજે ચાવડાને કોરોના થયો હોવાની વિગતો અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી જગ્દીશ ઠાકોરએ પણ તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. તો બીજી તરફ ભાજપના પ્રદેશ નેતાઓ સી આર પાટીલ, ભરત પંડ્યા, વિજય રુપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી, પુરુષોત્તમ રુપાલા સહિતના મોટા ભાગના તમામ નેતાઓએ તેઓ જલ્દી જ સ્વસ્થ થાય તેની પ્રાથના કરી હતી.