જયંત દાફડા (મેરાન્યૂઝ.ગાંધીનગર): ગાંધીનગર મ.ન.પાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં 10 વર્ષ બાદ ભાજપે ગાંધીનગરમાં જંગી બહુમતી મેળવી છે. કુલ 44 સીટ પરથી 41સીટ પર વિજય મેળવ્યો છે. ત્યારે કોંગ્રેસએ 2 અને આપ 1 સીટ મેળવી છે. કોંગ્રેસનો વધુ પડતો આત્મવિશ્વાસ અને આપની એન્ટ્રીથી ભાજપને ફાયદો થયો હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના 50% થી વધુ ઉમેદવારો આપની એન્ટ્રીથી હાર્યા છે તેવું ગણિત આંકડાઓના વિષ્લેશણથી સાબિત થઈ રહ્યું છે. આવો જાણીએ મતોના આંકડાઓથી કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસથી મતદારોના થયેલા ફાંટા ભાજપ માટે જીતનું કેવી રીતે કારણ બન્યા.

ગાંધીનગરમાં આ વખતે નવા સીમાંકન પ્રમાણે 11 વોર્ડમાં ચૂંટણી યોજવામાં આવી હતી. ગાંધીનગર શહેર તથા આસપાસના 18 ગામોના વિસ્તારને કોર્પોરેશનમાં સમાવેશ કરીને 11  વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. ગઈ કાલે જાહેર થયેલા પરિણામો પર નજર  કર્યે તો કુલ 11 વોર્ડમાં ભાજપને 2,64,902 મત મળ્યા છે. કોંગ્રેસને 1,59,835 મત મળ્યા છે અને આપને 1,24,054 મત મળ્યા છે અને 16 બેઠકો પર આપ બીજા ક્રમે રહી છે.

Advertisement


 

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપને જેટલા મત મળ્યા છે તેના કરતાં આપ અને કોંગ્રેસના મતની સંખ્યા વધારે છે. ભાજપને કુલ 2,64,902 મતની સામે આપ અને કોંગ્રેસના મતની સંખ્યા 2,83,889 છે. ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે આપની એન્ટ્રીએ કોંગ્રેસની બાજી પણ બગાડી દીધી છે. કારણ બંનેના આંકડાનો સરવાડો આખરે તો ભાજપ કરતાં વધુ જ થાય છે. મતલબ કે મતદારોનો મદાર તો ભાજપ વિરુદ્ધનો ભલે રહ્યો પરંતુ પરિણામ સ્વરૂપ તે ભાજપના સાથે જોવા મળ્યો અને તે પણ જંગી જીત સાથે જોવા મળ્યો, મતોનું વિભાજન થતાં ફાયદો ભાજપને થયો છે.

આંકડાઓ પરથી જાણી શકાય છે કે ભાજપનો મતદાર તો ભાજપ પાસે રહ્યો જ છે, તે ભાજપ સિવાય ક્યાંય ગયો નહીં પરંતુ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરનારા મતદારોના બે મોટા ફાંટા થયા, જેમાં કેટલાક કોંગ્રેસમાં રહ્યા તો કેટલાક આમ આદમી પાર્ટીમાં વહેંચાયા છે. નોટા અને અન્ય મતોની વાત અહીં કરી રહ્યા નથી કારણ આંકડાનું ગણિત ફક્ત આટલા આંકડાઓમાં જ આંકી શકાય તેમ છે.