મેરાન્યૂઝ, ગાંધીનગર: કલોલ તાલુકાના લીંબોદરા ગામમાં રહેતા વધુ એક દલિત કિશોર પર આજે મંગળવારે અજાણ્યા શખ્સોએ લોખંડ કાપવાની બ્લેડથી હુમલો કર્યો હતો. દિગંત વસંતભાઇ મહેરીયા (રહે. રામાપીર મંદિર પાસે, લીંબોદરા, કલોલ) આજે ધોરણ 11ની પરીક્ષા આપીને ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ “તને મારવાના પાંચ લાખ રૂપિયા મળ્યા છે” તેમ કહીને લોખંડ કાપવાની બ્લેડ વડે હુમલો કરતાં દિગંતના બરડાના ભાગે ઇજાઓ પહોંચતા તેને ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

હુમલાની ઘટના અંગે મીડિયા સાથે વાત કરતાં દિગંતે કહ્યુ હતું ગત 25મીના રોજ ગામના જ રાહુલ વિક્રમસિંહ વાઘેલા અને મયુર અજીતસિંહ વાઘેલાએ મારા ભાઇ પર મૂછો રાખવાની બાબતને હુમલો કર્યો હતો. આ સમયે ધમકી પણ આપી હતી કે જો તમે ઘરની બહાર નિકળ્યા છો તો જાનથી મારી નાખીશ. આ મામલે પોલીસે મયુરની ધરપકડ કરી છે જ્યારે રાહુલ વાઘેલા હજુ પણ ફરાર છે. તેને શંકા છે કે રાહુલ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હશે.

દલિતો પર થયેલા આ હુમલાને પગલે આવતીકાલે બુધવારે દલિતો ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતાઓ છે.