તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ) : ગાંધીનગર સેક્ટર 15માં સરકારી આર્ટસ કોલેજનાં વિદ્યાર્થીઓએ ટેબલેટ નહીં મળતા કોલેજને તાળાબંધી કરી હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે છ માસ પહેલા પૈસા જમા કરાવી દેવા છતાં ટેબ્લેટ આપવામાં આવતા નથી. આ મામલે NSUI પણ સ્થળ પર પહોંચી ગયું હતું.

અમિત પારેખ (NSUI પ્રમુખ) જણાવે છે કે “વિદ્યાર્થીઓ દ્વારા થયેલા હોબાળા બાદ હરકતમાં આવેલ કોલેજ સંચાલકોએ તુરંત જ ટેબ્લેટનો સ્ટોક બહાર કાઢ્યો હતો, પણ હજું વિતરણ શરું કરવામાં આવ્યું નથી. અગાઉ પણ વિદ્યાર્થીઓ ટેબ્લેટની માંગણી સાથે રજૂઆત કરતા હતા, જે સમયે કોલેજ સંચાલકો દ્વારા ગલ્લાં-તલ્લાં કરવામાં આવતા હતા. પહેલા સંચાલકો સ્ટોક નહીં હોવાનાં બહાના આગળ ધરતા હતાં, તો આજે સ્ટોક કેમ આવી ગયો, જો સ્ટોક હતો જ નહીં તો પછી આ ટેબ્લેટ ક્યાંથી આવ્યાં. વિદ્યાર્થીઓ 6 માસ થી ટેબ્લેટ વિતરણની રાહમાં બેસી રહ્યાં છે.”

હોબાળો અને કોલેજની તાળાબંધી જેવા ઉગ્ર પગલાં લેવાતા સંચાલકો તુરંત જ ટેબ્લેટનો સ્ટોક બહાર કાઢે છે. ઘટના જોતા પ્રશ્ન ઉદભવે છે કે કોલેજ પાસે સ્ટોક હતો જ નહીં તો તાત્કાલિક ટેબ્લેટ ક્યાંથી લાવ્યાં ? અને જો ટેબ્લેટ હતા જ તો વિદ્યાર્થીઓને આપવામાં તકલીફ શું હતી ? શું આર્ટસ કોલેજનાં સંચાલકો ટેબ્લેટ અને નાણાં પચાવી પાડવાનાં હતાં ?  મેરા ન્યુઝ દ્વારા કોલેજ સંચાલકો સાથે વાત કરવા કોલેજનાં લેન્ડલાઇન પર ફોન કરતા ફોન રિસિવ થયેલ નથી.

રાજ્યમાં કોઇને કોઇ મુદ્દાને લઇ વિદ્યાર્થીઓ અને યુવાનો હોબાળો કરે છે, રસ્તા પર ઉતરે છે, ન્યાય અને હક્ક માટે રજૂઆતો કરે છે. ચર્ચાઈ રહ્યું છે કે, હાલ જાણે વિદ્યાર્થીઓ ભણવાની સાથે હક્કની લડાઈ લડવાનું પણ શીખી રહ્યા છે. જોકે ખરેખર તેમનું ધ્યાન ફક્ત ભણતર સુધી રહે અને તેમના હક્કો ન છીનવાય તેનું ધ્યાન સરકારે રાખવું જરૂરી બની ગયું છે.