મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનની વાતો કરવામાં આવે છે. આ વાતો ને ઠરાવો અને પરિપત્ર સ્વરૂપે ગ્રામ પંચાયત પર મોકલી પણ આપવામાં આવે છે. પરંતુ સરકાર કોઈ દિવસ આ ગ્રામ પંચાયતોમાં સફાઈ ને કે કચરાના કે પછી ગંદા પાણીના નિકાલ વિશે કોઈ યોજના કે સહાય વિશેષ રૂપે આપતી નથી. 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અહમદપુરા ગામમાં રોડ રસ્તા મજબૂત હોવા છતાં, પાણી પુરવઠા અને ખેતીની સ્થિતિ સારી હોવા છતાં સરકારી વ્યવસ્થાના અભાવે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા જ નથી. 

1100 જેટલા મતદારો ધરાવતું આ ગામ પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારે છે.

ગામમાં પાણીનો પુરવઠો તો છે પરંતુ તેમાં બોરવેલનું પાણી 1600 TDS જેટલું હોવા છતાં લોકોએ મજબૂરીથી પીવું પડે છે અને અન્ય કામમાં પણ આજ પાણીનો ઉપયોગ કરવો પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 300 TDS સુધીનું પાણી પીવાલાયક હોય છે. જ્યારે 1200 TDSથી વધુનું પાણી પીવા યોગ્ય ગણાતુ ન જથી. 

ગામના આગેવાન રાજેશભાઈ ઠાકોરે જણાવ્યું કે ગ્રામ પંચાયતમાં તમામ સુવિધાઓ છે, રસ્તા અને અન્ય જરૂરી એવી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પરંતુ ગામનું ગંદુ પાણી નિકાલ કરવા માટે મોટી ગટર લાઇનની જરૂર છે જે સરકાર મદદ કરે તો જ શક્ય છે. તેમણે જણાવ્યું કે ગામમાં પીવાનું શુદ્ધ પાણી નથી અને ગામમાં બધા લોકો સમૃદ્ધ નથી કે RO સિસ્ટમ વસાવી શકે. આ સ્થિતિમાં સરકાર બોરવેલ બનાવવા સહાય કરે તો ગામની સમસ્યા દૂર થાય અને લોકોનું આરોગ્ય સારું રહે.

ગામની સીમમાંથી જ અમદાવાદ મોડાસા રોડ પસાર થાય છે અને અમદાવાદ-મોડાસા રેલવે લાઇન પણ આ ગામની સીમમાંથી પસાર થાય છે. પરંતુ પીવાના શુદ્ધ પાણી અને ગંદા પાણીના નિકાલની સમસ્યા આ ગામની સૌથી મોટી તકલીફ છે. અહમદપુર ગ્રામ પંચાયતમાં સીતાબેન રાજેશકુમાર ઠાકોર સરપંચ છે.